ગુજરાતની પોલીસે છેલ્લા એક વર્ષમાં 450 સ્થળોએ રેડ પાડીને અંદાજે રૂ. 6500 કરોડની કિંમતના ડ્રગ્સનો જથ્થો પકડ્યો હોવાનો દાવો રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કર્યો છે.
હર્ષભાઈ સંઘવીએ શનિવારે મીડિયાને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લેવા કટીબધ્ધ છે અને હજુ પણ કડક હાથે કામગીરી કરાશે. ગુજરાતના એટીએસ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ સાથે મળીને શુક્રવારે કલકત્તામાં ડી.આર.આઈ સાથે મળીને રૂ. 280 કરોડની કિંમતનું 39 કિલો ડ્રગ્સ પકડયું છે. આ ડ્રગ્સ કલકત્તાના પોર્ટ પરથી ગુજરાતની એટીએસની મદદથી મળ્યું છે. રાજયની પોલીસે ગુજરાત નહી પણ દેશની અનેક રાજયની સીમાઓ પર જઈને કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે મળીને ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મોટી ભૂમિકા અદા કરી છે. ભારત-પાકિસ્તાની બોર્ડર પર ગોળીઓનો સામનો કરીને જાંબાઝ જવાનોએ કાર્યવાહી કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની પોલીસે છેલ્લા એક વર્ષમાં 650થી વધુ ડ્રગ્સ માફિયાઓને પણ જેલ ભેગા કર્યા છે. તેમાંથી આજદિન સુધી કોઈને પણ જામીન મળ્યા નથી. ગુજરાત સરકારની ડ્રગ્સ રિવોર્ડ પોલીસી ડ્રગ્સ પકડવામાં સૌથી અગત્યની ભૂમિકા રહી હોવાનું જણાવતા સંઘવીએ જણાવ્યું કે, આ પોલીસીના કારણે અલગ-અલગ રાજયની વિગતો આપણને મળી રહી છે. બાતમીદારોને ડ્રગ્સ વિશેની માહિતી માટે મોટી ઈનામી રકમ આપવામાં આવે છે જેથી ગુજરાત પોલીસને ડ્રગ્સ વિશેની મહત્વની માહિતી મળે છે. અન્ય રાજયોની પોલીસ પણ આ ડ્રગ્સ પોલીસીની વિગતો આપણી પાસેથી મંગાવે છે.