ગુજરાત વિધાનસભા સત્રમાં રાજ્યને પેટ્રોલિયમ પેદાશો પર લેવાતી સેસ અને SGST(સ્ટેટ જીએસટી)ની આવક અંગે ખુલાસો થયો છે. પ્રશ્નોતરીકાળ દરમિયાન રાજ્ય સરકારે આપેલી માહિતી મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય સરકારને પેટ્રોલિયમ પેદાશો પર લેવાતી સેસની 40 હજાર 526.71 કરોડની આવક થઈ છે. રાજ્ય સરકારને વર્ષ 2017-18માં 14 હજાર 762.05 કરોડ, વર્ષ 2018-19માં 15 હજાર 178.64 કરોડ, વર્ષ 2019ના ડિસેમ્બર સુધીમાં રૂ.10 હજાર 586.02 કરોડની આવક થઈ છે.
જ્યારે સ્ટેટ જીએસટીની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારની SGST આવકમાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે સરકારને 2,928.56 કરોડનો વધારો થયો છે. વર્ષ 2018માં 24,400.56 કરોડની સ્ટેટ જીએસટીની આવક સામે વર્ષ 2019માં 27329.41 કરોડની આવક થઈ છે.
ગુજરાત વિધાનસભામાં સરકારે રજૂ કરેલા આંકડા મુજબ, 2017-18ના વર્ષમાં 12,874.83 કરોડ અને 2018-19ના 14001.30 કરોડ અને એપ્રિલ 2019થી જાન્યુઆરી સુધીના 10 મહિનામાં 10905.25 કરોડ મળીને છેલ્લા બે વર્ષ અને 10 મહિનામાં 37781.38 કરોડ રૂપિયાની ધરખમ આવક સરકારને મળી છે એટલે કે ગુજરાત સરકારને પેટ્રોલ પરના વેરા પેટે માસિક સરેરાશ આશરે રૂપિયા 342.20 કરોડ અને ડીઝલ પરના વેરા પેટે કુલ સરેરાશ 1111.21 કરોડની આવક થઈ છે.
ગુજરાત વિધાન સભામાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર 17 ટકા વેટ-4 ટકા સેસ વસૂલવામાં આવે છે. જીએસટીની વાર્ષિક આવકના લક્ષ્યાંકમાં પેટ્રોલ-ડીઝલ મારફત થતી આવકનો સમાવેશ કરાતો નથી. જ્યારે 1 એપ્રિલ 2019થી 15 જાન્યુઆરી 2020 સુધી પેટ્રોલમાં વેટ-સીએસટી-સેસથી રૂપિયા 3380.61 કરોડ, જ્યારે ડીઝલમાં રૂપિયા 7524.64 કરોડની આવક થઈ છે.