(istockphoto.com)

ગુજરાત વિધાનસભાના પહેલી માર્ચથી બજેટ સત્રના પ્રારંભ પછી ઓછામાં ઓછા આઠ ધારાસભ્યો કોરોના પોઝિટિવ બન્યાં છે. મંગળવારે કોંગ્રેસના બે અને ભાજપના એક ધારાસભ્ય કોરોના પોઝિટિવ આવ્યા હતા, એમ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. સાવચેતીના પગલાં તરીકે સ્પીકરે વિધાનસભા સંકુલમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી.

સ્પીકરે જણાવ્યું હતું કે ધારાસભ્યો ઉપરાંત કેટલાંક પ્રધાનોના સ્ટાફ મેમ્બર્સ અને પર્સનલ સેક્રેટરીને પણ તાજેતરમાં કોરોનો થયો હતો. તેથી વિધાસનભાનું સત્ર ચાલુ છે ત્યાં સુધી વિઝિટર પાસ જારી ન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સ્પીકરે જણાવ્યું હતું કે યુવી લાઇટ રેડિયેશનનથી ગૃહનું દરરોજ સેનિટાઇઝેશન કરવામાં આવે છે. તેમણે ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરવાનો પણ અનુરોધ કર્યો હતો.

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોમાં એકાએક ઉછાળો આવ્યો છે, પરંતુ બજેટ સત્રના સમયગાળામાં કાપ મૂકવાનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. વિધાનસભાનું બજેટ સત્ર પહેલી એપ્રિલે પૂરું થશે.

મુખ્યપ્રધાન કાર્યાલયમાં નાયબ સચિવ કોરોના પોઝિટિવ આવતાં તેઓ હોમ ક્વોરન્ટીન થયા હતા. અગાઉ ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા, મોહન ડોડિયા, બાબુભાઈ પટેલ અને ઇશ્વર પટેલને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. મંગળવારે કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને પૂજા વંચ તથા ભાજપના ધારાસભ્ય વિજય પટેલ કોરોનાગ્રસ્ત બન્યા હતા.

દસાડાના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી કોરોના પોઝિટિવ આવતા ગાંધીનગરમાં જ 14 દિવસ માટે હોમ ક્વોરન્ટિન થયા થયા હતા. રાજય કક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલથી હૃદયરોગના નિષ્ણાતોને ઘરે બોલાવવા પડ્યા હતા. સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે થોડો તાવ અને કળતર જેવું રહેતાં ધર્મેન્દ્રસિંહ જાડેજા આજે ગૃહમાં નહોતા આવ્યાં. ધર્મેન્દ્રસિંહ પોતાનાં નિવાસ સ્થાને જ રહ્યા હતા અને ડોક્ટરોને બોલાવીને તેમની ઘરે જ સારવાર કરાઈ હતી.