ગુજરાતમાં સોમવારે કોરોનાના દૈનિક ઘટીને 117 નોંધાયા બાદ માસ્ક સિવાયના તમામ કોરોના નિયંત્રણો ઉઠાવી લેવામાં આવ્યા છે. હવે લગ્ન પ્રસંગો અને સામાજિક પ્રસંગોમાં લોકોની કોઇ મર્યાદા રહેશે નહીં.
ગૃહ વિભાગ દ્વારા 24 ફેબ્રુઆરીના રોજ લાગુ કરવામાં આવેલાં નિયંત્રણોને પણ દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લગ્ન અને સામાજિક પ્રસંગો તેમજ રાજકીય કાર્યક્રમોમાં એકઠાં થવાના નિયંત્રણો પરની મર્યાદા દૂર કરવાનો નિર્ણય 31 માર્ચ સુધી લાગુ રહેશે. આ ઉપરાંત 2 માર્ચથી મુલાકાતીઓ રસી લીધી હોવાનું સ્વપ્રમાણિત સર્ટિફિકેટ રજૂ કરીને સરકારી કચેરીઓની મુલાકાત લઈ શકાશે.
ગુજરાત સરકારે જણાવ્યું છે કે, ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનિટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. 2 માર્ચ-2022થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી.
અગાઉ રાજ્ય સરકારે જાહેર કરાયેલી ગાઈડલાઈનમાં અમદાવાદ અને વડોદરા શહેરને કર્ફ્યુમુક્ત જાહેર કરાયા હતા. રાજ્યમાં કોરોના કેસોની વાત કરવામાં આવે તો સોમવારે ગુજરાતમાં કોરોનાના 117 નવા કેસ નોંધાયા હતા જેની સામે 344 દર્દીઓ સાજા થયા હતા અને બે દર્દીઓના મોત થયા હતા. સોમવાર સાંજ સુધીમાં રાજ્યમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા 1820 હતી, જેમાંથી 22 દર્દીઓ વેન્ટિલેટર પર હતી. કોરોના મહામારી પછી 12,09,878 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે જ્યારે 10,930 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં 58 નવા કેસ સામે આવ્યા હતા જેની સામે 130 દર્દીઓ સાજા થયા હતા.