હાલ રાજ્યભરમાં ઉત્તરાયણ ઉજવણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જો કે આ તૈયારીઓ વચ્ચે આજ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હોવાથી પતંગ રસિયાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. રાજ્યમાં ક્યાંક ધુમ્મસ તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટના પતંગ બજારના વેપારીઓ પણ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે. ગ્રાહકો પણ આ વર્ષે મોંઘવારીની સાથે વાતાવરણમાં પણ પલટો આવતા અને વરસાદની આગાહી થતાં દર વર્ષની જેમ આ વર્ષે પતંગની ખરીદીમાં પણ ઢીલા પડ્યા છે. તે જોતા વેપારીઓનું માનવું છે કે, મોંઘવારીનો તો માર હતો તેની સાથે હવામાને પણ અમારો ધંધો બગાડી દીધો છે.
પતંગ દોરીના બજારમાં આ વર્ષે મંદીનો માહોલ વચ્ચે આજે છેલ્લા દિવસે અમદાવાદના સુધી મોટા પતંગ બજાર એવા કાલુપુર ટંકશાળ, દિલ્લી દરવાજા અને રાયપુર બજારમાં પતંગરસિયાઓ ભારે ભીડ જામશે. ગઈકાલે રવિવારે રજાનો દિવસ હોવાથી પતંગ બજારમાં ભારે ભીડ જામી હતી. આજ સવારથી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. પતંગ બજારમાં આ વર્ષે અવનવી પતંગ જોવા મળી રહી છે. બાળકો માટે કાર્ટુન્સની પતંગ, મોદી અને અમિત શાહની પતંગનો લોકોમાં વધુ ક્રેઝ જોવા મળ્યો છે.એક વર્ગ તો ખરીદી વગર પર બજાર જોવા અને મકરસંક્રાતિનો માહોલ જોવા નીકળી પડતા હોય છે.
સુરતમાં દોરી અને પતંગ ખરીદવા માટેના મોટી પતંગ બજારમાં ભાગળ, ડબગરવાડ, કાંસકીવાડ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે મોટા ભાગની પતંગની ખરીદી રાંદેરથી કરવાનું પસંદ કરે છે કારણે કે અહીં નિપૂણ કારીગરો દ્વારા વિવિધ પ્રકારના પતંગો બનાવવામાં આવે છે. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી ગયો છે ત્યારે સુરતીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગના ભાવમાં 25 ટકા અને દોરીના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. પતંગ અને દોરીના ભાવમાં વધારો થયો હોવાથી દોરી ઘસવાના ભાવમાં વધારો થયો નથી.