લોકડાઉનના 30 દિવસ એટલે કે 25 માર્ચથી 22 એપ્રિલ સુધીમાં રાજ્યમાં વિવિધ પ્રકારના ગુનાનો ભંગ લોકો દ્વારા કરવામાં આવ્યો છે. આ 30 દિવસમાં જાહેરનામાનો ભંગ, ક્વૉરન્ટીન ભંગ, અન્ય ગુનાઓ, ડ્રોન અને સીસીટીવ સર્વેલન્સથી નોંધાયેલા ગુના અને કર્ફ્યૂભંગના ગુના સહિત કુલ 88007 જેટલા ગુના નોંધાયા છે.
જેમાં 1,45,902 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરવા બદલ 50944, ક્વૉરન્ટીનનો ભંગ કરવા બદલ 18492, ઉપરાંત અન્ય 7507 જેટલા ગુના નોંધાયા છે. તેમજ ડ્રોન સર્વેલન્સથી 7724 અને સીસીટીવી સર્વેલન્સથી 1372, સોશિયલ મીડિયા અફવા ફેલાવવા બદલ 474 જેટલા ગુના નોંધાયા છે. ત્રણ શહેરો અમદાવાદ, રાજકોટ અને સુરતમાં કર્ફ્યૂ ભંગના કુલ 1494 ગુના અત્યારસુધી નોંધાયા છે.
જ્યાં સુધી લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી લોકો ભેગા થશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હવે રમજાન, હનુમાન જયંતિ, પરશુરામ જયંતિ જેવા ધાર્મિક તહેવારો આવી રહ્યાં છે. કોઇપણ સંજોગોમાં લોકો ધાર્મિક સ્થળે ભેગા ન થાય. ઘરમાં જ રહીને પૂજા અને બંદગી કરવામાં આવે. ધર્મગુરુઓ પણ આ બાબતે લોકોને જાગૃત કરે તેવી અપીલ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા કરવામાં આવી છે.
