ગુજરાતમાં સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી બાદ જંત્રીના દરોમાં વધારો કરવાની વિચારણા ચાલુ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં જંત્રીના દરોમાં સુધારો કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી શકે છે. રાજ્યમાં છેલ્લે 2011માં જંત્રીના દરોની સમીક્ષા કરવામાં આવી હતી. તે વખતે પણ જંત્રીના દરો સર્વે કરાયાના બે વર્ષ બાદ જાહેર કરાયા હતા.
આ અંગે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે હાલ બજારમાં કોરોનાને કારણે હાલમાં મંદી ચાલી રહી છે ત્યારે સરકારે માર્કેટને આંચકો લાગે તેવા જંત્રીના રેટ જાહેર કરવાનું ટાળવું જોઈએ. જંત્રીના દરોની સીધી અસર FSIના ઉંચા રેટના કારણે પ્રોપર્ટી માર્કેટને પડશે. તેના કારણે કન્સ્ટ્રક્ટેડ પ્રોપર્ટી પ્રતિ ચોરસ ફુટ 300થી 1000 રુપિયા સુધી મોંઘી થઈ શકે છે.
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે આ મામલે દરમિયાનગીરી કરીને રાજ્ય સરકારને નોટિસ મોકલી હતી અને તેનો છ સપ્તાહમાં જવાબ આપવા જણાવાયું હતું. જેમાં સરકારે રાજ્યમાં જંત્રીના દરમાં સુધારો કરવો જરુરી હોવાનું જણાવવાનો નિર્ણય કર્યો હતો.
હાલના બજાર ભાવ અને 2011માં જાહેર કરાયેલા જંત્રીના દરો વચ્ચે મોટો તફાવત છે, તેમાંય અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં આ તફાવત ઘણો મોટો છે. તેના કારણે સરકારને પણ મોટું નુક્સાન ભોગવવું પડે છે.