ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓનો એક સાથે ઉમેરો થવાનો અત્યાર સુધીનો નવો વિક્રમ નોંધાયો છે. રાજ્યના કુલ કેસની સંખ્યા વધીને ૨૪૬૨૮ અને મૃત્યુનો આંક વધીને ૧૫૩૪ થયો છે. અમદાવાદમાં વધુ ૩૩૨ કેસ ઉમેરાયા છે જ્યારે ૨૧ દર્દીના સારવાર દરમિયાન મૃત્યું નોંધાયા છે. આ સીલસીલામાં સુરત, વડોદરા, સાબરકાંઠાના ૨-૨ દર્દી તેમજ પંચમહાલમાં એક દર્દીનું પણ મૃત્યું ઉમેરાયું છે. હવે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરતો ચેપ જોખમી રીતે વધી રહ્યો છે.
છેલ્લા ચોવીસ કલાકમાં ગાંધીનગરમાં એક સાથે ૨૨, રાજકોટમાં ૧૦, ભરૂચમાં ૬, પંચમહાલમાં ૫ કેસ શોધી શકાયા છે જ્યારે અરવલ્લી અને અમરેલીમાં ૪-૪ નવા કેસ ઉમેરાયા છે. મહેસાણા, કચ્છ, પાટણ, જામનગર અને સુરેન્દ્રનગરમાં ૩-૩ શંકાસ્પદોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બનાસકાંઠા, આણંદ, ખેડામાં ૨-૨ દર્દી તેમજ ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબીમાં એક એક કેસ મળ્યો છે. અન્ય રાજ્યના વધુ ૨ કેસ નોંધાયા છે.
રાજ્યના સૌથી વધારે સંક્રમિત મહાનગર અમદાવાદમાં હવે તમામ આર્થિક ગતિવિધિઓને છુટછાટ આપવામાં આવી હોવાથી અત્યાર સુધી લોકડાઉનમાં સપડાયેલા લોકો ખુલ્લામાં અવરજવર કરતાં થતાં સંક્રમણના નવા ન્યુક્લિયસ હોટ સ્પોટ પશ્ચિમ અને નવા પશ્ચિમ વિસ્તારમાં ઊભા થઇ રહ્યા છે, પરંતુ તેને કન્ટેઇન કરવા માટે અસરકારક નીતિ અપનાવવામાં હવે તંત્રની ઢીલાશ જણાઇ રહી છે. આથી પૂર્વ અને મધ્ય ઝોનની જેમ આ વિસ્તારોમાં સતત કેસ વધી રહ્યા છે.
આ જ સ્થિતિ અમદાવાદ ગ્રામ્યમાં જોવા મળી રહી છે. હોટ સ્પોટ બનેલા ધોળકામાં વધુ ૯ કેસ મળી આવ્યા છે જ્યારે દસક્રોઇમાં નવા સાત કેસ, સાણંદમાં એક અને વિરમગામમાં ૩ નવા કેસ ઉમેરાયા છે આ સાથે જિલ્લાનો આંક ૬૨૫ થયો છે. દસક્રોઇ તાલુકા હેઠળ બોપલમાં ચાર, ઘુમા, બારેજા અને સિંગરવામાં એક એક કેસનો સમાવેશ થાય છે. જોકે, વિરમગામના સારવાર હેઠળના એક દર્દીનું મૃત્યું થતાં કુલ આંક વધીને ૪૨ સુધી પહોંચ્યો છે.
અમદાવાદ ગ્રામ્યની જેમ ગાંધીનગર મહાનગર અને જિલ્લાની છે. મહાનગરમાં એફએસએલમાં કામ કરતાં એક દંપતિ સહિત ચાર નવા કેસ તેમજ ગાંધીનગરના સરગાસણ, પેથાપુર, કોટેશ્વર, ઉંવારસદમાં મળી છ, કલોકમાં નવ અને દહેગામમાં ૩ મળી કુલ ૨૨ કેસ ઉમેરાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં એક દર્દીના મૃત્યુના અહેવાલ છે, પરંતુ હજુ રાજ્યના આરોગ્ય વિભાગે તેને પુષ્ટી આપી નથી.
સૌરષ્ટ્રમાં બોટાદમાં એક યુવા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે સુરેન્દ્રનગરમાં પાટડી, ધાંગ્રધા મળી કુલ નવા ૩ કેસ ઉમેરાયા છે. આણંદમાં ખંભાત અને આણંદમાંથી એક એક, અરવલ્લીના મોડાસામાંથી વધુ ૪, અમરેલીમાંથી ચાર તેમજ જામનગરમાં પડાસણા, થાવરિયામાંથી એક એક મળી કુલ ત્રણ કેસ વધ્યા છે.
આમ, છેલ્લા ચોવીસ કલાકમાં ૪૯૬૧ ટેસ્ટ સાથે રાજ્યનો કુલ આંક ૨,૯૭,૮૭૦ થયો છે એમાંથી કુલ ૨૪૬૨૮ પોઝિટિવ દર્દી મળ્યા છે. આ પૈકી છેલ્લા ચોવીસ કલાકમાં ૪૧૮ ડિસ્ચાર્જ થતાં કુલ સાજા થનાર દર્દીનો આંક ૧૭૦૦૦ને પાર થઇ ૧૭૦૯૦ થયો છે. જોકે, ૧૫૩૪ દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યું પામ્યા છે. આમ, મંગળવારે એક્ટિવ કેસનો આંક ૬૦૦૪ થયો છે એમાંથી ૬૪ દર્દી વેન્ટીલેટરી કેર ઉપર છે અને બાકીના ૫૯૪૦ સ્ટેબલ છે.