ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે (31 માર્ચે)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની વિગતો જાહેર કરવાના એક આદેશને રદ કર્યો હતો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ડિગ્રી સર્ટિફિકેટ માગવા બદલ રૂ.25,000નો દંડ ફટકાર્યો હતો. હાઇકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે આ માહિતી જરૂરી નથી.
કેજરીવાલે ચાર સપ્તાહમાં ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસિસ ઓથોરિટીમાં આ દંડની રકમ ભરવાની રહેશે. હાઇકોર્ટના આદેશ અને દંડ પર પ્રતિક્રિયા આપતા કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે “શું દેશને એ જાણવાનો અધિકાર નથી કે તેમના વડા પ્રધાન કેટલા શિક્ષિત છે? તેઓએ કોર્ટમાં તેમની ડિગ્રી જાહેર કરવાનો ઉગ્ર વિરોધ શા માટે કર્યો? અશિક્ષિત અથવા ઓછું ભણેલા પીએમ દેશ માટે ખતરનાક છે.”
2016માં માહિતી અધિકાર કાયદા (RTI) હેઠળની અરજીનો જવાબ આપતા કેન્દ્રીય માહિતી આયોગે વડા પ્રધાન કાર્યાલય (PMO), ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીને મોદીની ગ્રેજ્યુએશન અને પોસ્ટ-ગ્રેજ્યુએશન ડિગ્રી વિશે માહિતી આપવાનો આદેશ આપ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
મોદીના ચૂંટણી દસ્તાવેજો કહે છે કે મોદી 1978માં ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા અને 1983માં દિલ્હી યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી. ગયા મહિને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુનાવણી દરમિયાન દલીલ કરી હતી કે યુનિવર્સિટીને આ માહિતી જાહેર કરવાની ફરજ પાડવી જોઈએ નહીં. લોકશાહીમાં, જો હોદ્દો ધરાવનાર વ્યક્તિ ડોક્ટરેટ અથવા અભણ હોય તો કોઈ ફરક પડતો નથી. આ ઉપરાંત આ મુદ્દામાં કોઈ જાહેર હિત સામેલ નથી. તેમની ગોપનીયતાને પણ અસર થાય છે. કોઈની બાલિશ અને બેજવાબદાર જિજ્ઞાસાને સંતોષવા માટે માહિતી જાહેર કરવાનો આદેશ આપી શકા નહીં.