ગુજરાત હાઇકોર્ટે શનિવારે નાગરિક અધિકાર કાર્યકર્તા તીસ્તા સેતલવાડની નિયમિત જામીન અરજી ફગાવ્યા પછી તરત સરન્ડર કરવાનો આદેશ કર્યો છે. તીસ્તા પર 2002ના ગોધરાકાંડ પછીના રમખાણો સાથે જોડાયેલા કેસોમાં પુરાવા સાથે છેડછાડ અને સાક્ષીઓને ટ્રેનિંગ આપવાનો આરોપ છે.

સેતલવાડની જામીન અરજી પર જસ્ટિસ નિર્જલ દેસાઈએ ચુકાદો સંભળાવ્યા પછી વરિષ્ઠ વકીલ મિહિર ઠાકોરે કોર્ટને તેના અમલ પર 30 દિવસ માટે રોક લગાવવાની વિનંતી કરી હતી, જેને ફગાવવામાં આવી હતી. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટમાં અપીલ ન થાય ત્યાં સુધી આ નિર્ણય પર રોક લગાવવાની માગને પણ ફગાવી છે. આ ઉપરાંત સેશન્સ કોર્ટમાં ચાલતા કેસમાં પણ તીસ્તાને સહકાર આપવા કોર્ટે આદેશ આપ્યો હતો.

સેતલવાડને સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2022માં આપેલા વચગાળાના જામીન પર સુપ્રીમ કોર્ટે અત્યાર સુધી ધરપકડથી રક્ષણ આપ્યું હતું. ત્યારબાદ તેમને આ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપતા એસઆઇટીના રીપોર્ટને પડકારતી ઝાકિયા જાફરીની અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે, સેતલવાડ પોતાનો સ્વાર્થ સાબિત કરવામાં વ્યસ્ત છે. કોર્ટે પૂર્વ આઇપીએસ અધિકારીઓ સંજીવ ભટ્ટ અને આર બી શ્રીકુમાર દ્વારા ખોટી એફિડેવિટ ફાઇલ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં રમખાણોના કાવતરાના આરોપોથી તત્કાલીન મુખ્ય પ્રધાન મોદી અને અન્ય લોકોને ક્લીનચિટ મળી ચૂકી છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments