કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે માસ્ક વગર ફરતા અને કોવિડ પ્રોટોકોલનો ભંગ કરતા લોકો સામે આકરુ વલણ અપનાવ્યું છે. હાઇ કોર્ટે બુધવારે આદેશ આપ્યો હતો કે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં દરરોજ ફરજિયાત 5થી 6 કલાકની કોમ્યુનિટી સેવા કરાવવામાં આવે. કોર્ટે જણાવ્યું હતું કે સત્તાવાળાને યોગ્ય તેમ આ કોમ્યુનિટી સર્વિસ 5થી 15 દિવસ સુધીની રાખી શકાય છે.
ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે બી પારડિવાલાની બનેલી ખંડપીઠે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે તે માસ્ક, સોસિયલ ડિસ્ટન્સિંગ જેવા કોવિડ સેફ્ટી પ્રોટોકોલનું ભંગ કરતા લોકો સામે ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ માટે એક જાહેરનામું બહાર પાડે.
કોર્ટે જણાવ્યું હતું કે આ કોમ્યુનિટી સર્વિસ નોન મેડિકલ હોવી જોઇએ અને તેમાં ક્લિનિંગ, હાઉસ કીપિંગ, કૂકિંગ, ડેટા ફીડિંગ જેવી કામગીરીનો સમાવેશ કરી શકાય છે. વ્યક્તિની વય, લાયકાત, જેન્ડર, આરોગ્ય જેવી બાબતોને ધ્યાનમાં રાખીને સત્તાવાળા આવી કોમ્યુનિટી સર્વિસનો પ્રકાર નક્કી કરશે.
લોકોમાં જાગૃતિ લાવવા માટે નિયમભંગ બદલ કોમ્યુનિટી સર્વિસનો દંડ કરવામાં આવ્યો છે તેવા વ્યક્તિની માહિતી સોસિયલ, ડિજિટલ અને પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત કરી જોઇએ. કોર્ટે જણાવ્યું હતું કે 24 ડિસેમ્બરે આગામી સુનાવણી વખતે સરકાર સ્ટેટસ રિપોર્ટ સુપરત કરે.
ગુજરાતમાં માસ્ક વગર બહાર ફરનારાં લોકો પાસે કોવિડ સેન્ટરમાં આઠ દિવસ કોમ્યુનિટી સર્વિસ કરાવવાની માગણી કરતી જાહેર હિતની રિટ અંગે રાજ્ય સરકારે અગાઉ મંગળવારે હાઇકોર્ટમાં જવાબ આપ્યો હતો કે આ પ્રસ્તાવનું અસરકારક અમલીકરણ હાલની પરિસ્થિતિ થઇ શકે તેમ નથી. અત્યારે રાજ્ય સરકારના તમામ વિભાગો અને કર્મચારીઓ કોવિડ સંબંધી કામગીરીમાં વ્યસ્ત હોવાથી આ પ્રકારની કોમ્યુનિટી સર્વિસના અમલીકરણનું કોઇ માળખું ઉભું કરી શકાય તેમ નથી.
જાહેર હિતની અરજીમાં માગણી કરવામાં આવી હતી કે માસ્ક ન પહેરનારા લોકો પાસેથી લેવાતા દંડની રકમ વધારવી જોઇએ અને બીજીવાર માસ્ક વગર કોઇ વ્યક્તિ પડકાય તો તેની પાસે નોનમેડિકલ કોવિડ સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ કરાવવી જોઇએ.