ગુજરાતમાં કોરોનાના કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે પણ તેનાથી વિરોધાભાસ રીતે કોરોના ટેસ્ટનો ગ્રાફ હજુ પણ નીચે જ છે. ગુજરાતમાં અત્યારસુધી ૩,૬૩,૧૯૮ કોરોના ટેસ્ટ થયા છે, જે કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા ટોચના ૭ રાજ્યોમાં સૌથી ઓછા છે.
તામિલનાડુમાં સૌથી વધુ ૧૦,૭૭,૪૫૪ વ્યક્તિના કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા છે. તામિલનાડુ દેશનું પ્રથમ એવું રાજ્ય છે જ્યાં ૧૦ લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તામિલનાડુ ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ કેસની સંખ્યા સતત વધી રહી હોવા છતાં તેમણે ટેસ્ટ ઉપર કાપ મૂક્યો નથી.
મહારાષ્ટ્રની જ વાત કરવામાં આવે તો ત્યાં કુલ કેસનો આંક હવે ૧.૬૪ લાખ છે જ્યારે ત્યાં ૯.૨૬ લાખના ટેસ્ટ થયા છે. એક અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૧૯માં મહારાષ્ટ્રની વસતી ૧૨.૨૧ કરોડ છે. આમ, મહારાષ્ટ્રમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ સરેરાશ ૭૫૮૮ વ્યક્તિના ટેસ્ટ થઇ ચૂક્યા છે. કોરોનાના સૌથી વધુ કેસમાં દિલ્હી ૮૩૦૭૭ સાથે બીજા સ્થાને છે. દિલ્હીમાં ૪.૯૮ લાખ ટેસ્ટ થયા છે. આ સ્થિતિ પ્રમાણે દિલ્હીમાં સરેરાશ ૧૦ લાખની વસતીએ ૨૫૧૫૫ના ટેસ્ટ થયેલા છે.
ગુજરાતની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૯ પ્રમાણે ૬.૧૯ કરોડની વસતી છે. આ સ્થિતિએ પ્રતિ ૧૦ લાખની વસતીએ ૫૩૪૮ વ્યક્તિના ટેસ્ટ થયા છે. ભારતમાં ૨૭ જૂન પ્રમાણે કુલ ૮૨.૨૭ લાખ ટેસ્ટ થયેલા છે. ભારતમાં જે કુલ ટેસ્ટ થયા છે તેમાં ગુજરાતનું પ્રમાણ ૪ ટકાથી પણ ઓછું છે.
ગુજરાતમાંથી અમદાવાદમાં સૌથી વધુ૧.૩૧ લાખ ટેસ્ટ થયેલા છે અને તેની સામે કુલ કેસનું પ્રમાણ ૨૦૪૮૦ છે. આમ, અમદાવાદમાં પ્રતિ ૧૦૦ ટેસ્ટમાંથી ૧૫થી વધુ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાય છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી સૌથી વધુ ટેસ્ટમાં સુરત બીજા, વડોદરા ત્રીજા, જુનાગઢ ચોથા અને ભાવનગર પાંચમાં સ્થાને છે.