કોરોના મહામારીના કારણે ઊભી થનારી આર્થિક અને ઔદ્યોગિક પરિસ્થિતિનો સામનો કરવા ગુજરાત સરકારે તેના શ્રમ કાયદાઓમાં કેટલાક સુધારા કરતો વટહુકમ બહાર પાડવાનો નિર્ણય શુક્રવારે કર્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોશીયલ મીડિયાના માધ્યમથી જાહેર કર્યું છે કે આગામી સમયમાં 1200 દિવસ રોજગારી આપે તેવા નવા એકમોને લેબર લૉમાંથી મુક્તિ અપાશે.
જોકે, આ છુટછાટમાં લઘુત્તમ વેતન અને શ્રમિકોની સલામતીને લગતા કાયદામાંથી મુક્તિ મળશે નહીં, તેવી ભારપૂર્વક સ્પષ્ટતા તેમણે કરી હતી. નવા રોકાણો થકી જ્યારથી ઉત્પાદનનો આરંભ થાય ત્યારથી 1200 દિવસ ગણાશે. રોકાણકારે શ્રમિકોને પ્રવર્તમાન લઘુત્તમ વેતન આપવું પડશે અને જો કોઈ દુર્ઘટના થાય તો લેબર લૉ મુજબ વળતર આપવાનું રહેશે.
મુખ્યમંત્રીએ એ પણ જાહેરાત કરી કે હાલ ચીનમાંથી જાપાન, તાઈવાન અને અમેરિકાની જુદી જુદી કંપનીઓ પોતાના રોકાણોને અન્યત્ર ખસેડવા વિચારે છે અને તે ભારતમાં રોકાણો કરે એમ છે ત્યારે આવી કંપનીઓનો સંપર્ક કરવા ગુજરાતના વિવિધ અધિકારીઓને જવાબદારી સોંપી છે એમને આમંત્રણ પણ મોકલવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત આપણે વિવિધ એમ્બસીને પણ સંપર્ક કરી ગુજરાતમાં 33 હજાર હેકટર જમીન ઉપર તેઓ પોતાના એકમો પ્લગ એન્ડ પ્રોડકશન પધ્ધતિથી કરી શકે તેવી તૈયારી કરી છે તેની જાણકારી પણ મોકલવામાં આવી છે. રાજ્યમાં ધોલેરા, સાણંદ, બેચરાજી સહિતના એસઆઈઆર તથા જીઆઇડીસીમાં આ રોકાણો આવે અને રાજ્યમાં નવી રોજગારીની તકો ઉભી થાય એવા પ્રયાસો શરૂ કર્યા છે.