ગુજરાત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તે 2002ના ગોધરા ટ્રેન કાંડના 11 દોષિતોને ફાંસીની સજા માટે આગ્રહ કરશે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે દોષિતોની સજાને આજીવન કેદમાં ફેરવી છે અને હાઇકોર્ટના ચુકાદાને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. બીજી તરફ આ કેસના કેટલાંક આરોપીએ સુપ્રીમ કોર્ટમાં જામીનની અરજી કરી છે.
સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી ત્રણ સપ્તાહ પછી કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે અમે દોષિતોને મૃત્યુદંડ આપવા માટે ગંભીરતાથી દબાણ કરીશું, જેમની મૃત્યુદંડને આજીવન કેદમાં પરિવર્તિત કરવામાં આવી હતી. આ રેરેસ્ટ ઓફ રેસ કરે છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ટ્રેનના ડબ્બાને બહારથી લોક કરાયો હતો
તેમણે આ કેસની વિગતો આપતા જણાવ્યું હતું કે 11 દોષિતોને ટ્રાયલ કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી અને અન્ય 20 લોકોને આ કેસમાં આજીવન કેદની સજા આપવામાં આવી હતી. હાઈકોર્ટે આ કેસમાં કુલ 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને 11 દોષિતોની મૃત્યુદંડને આજીવન કેદમાં ફેરવી હતી
27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગુજરાતના ગોધરા ખાતે ટ્રેનના S-6 કોચને સળગાવવામાં આવતાં 59 લોકો માર્યા ગયા હતા. આ પછી રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ કેસમાં અત્યાર સુધીમાં બે દોષિતોને જામીન આપ્યા છે. આ મામલે અન્ય સાત જામીન અરજીઓ પર નિર્ણય બાકી છે.