આગામી વાયબ્રન્ટ ગુજરાત સમીટ પહેલા ગુજરાત સરકારે શુક્રવારે એક નીડર નિર્ણય કરીને ગાંધીનગર નજીક આવેલા ગિફ્ટી સિટીમાં દારુ પીવાની છૂટ આપી છે. રાજ્ય સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે રાજ્યની રાજધાની ગાંધીનગર નજીકના ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટી સિટી)માં “વાઇન એન્ડ ડાઇન” ઓફર કરતી હોટેલ્સ/રેસ્ટોરન્ટ્સ/ક્લબોમાં આલ્કોહોલને મંજૂરી આપવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે ગિફ્ટી સિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક મહત્ત્વકાક્ષી પ્રોજેક્ટ્સ છે. અહીં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ બનાવવાની યોજના છે.
ગિફ્ટ સિટીમાંથી કામ કરતા અધિકારીઓ, કર્મચારીઓ અને માલિકોને દારૂબંધીના કાયદામાંથી મુક્તિ આપવામાં આવશે. ગિફ્ટ સિટીમાં કામ કરતા તમામ કર્મચારીઓ/માલિકો અને અધિકારીઓને દારૂની પરમિટ આપવામાં આવશે. ગિફ્ટ સિટી માટેના નવા નિયમો મુજબ મુલાકાતીઓ પણ સંબંધિત કંપનીના કાયમી કર્મચારીઓની હાજરીમાં હંગામી પરમિટ ધરાવતી હોટલ/રેસ્ટોરન્ટ/ક્લબમાં દારૂનું સેવન કરી શકશે.
જોકે આ આઉટલેટ્સ દારૂની બોટલો વેચી શકશે નહીં. આ છૂટછાટમાં કેટલીક શરતો છે કે જે કંપની ગિફ્ટ સિટીમાં હોય તેને ઓથોરાઈઝ કર્યા હોય તેવા જ વિઝિટરને દારૂ પીવાની છૂટ મળશે. આ ઉપરાંત તેમને પણ આ કાયમી કર્મચારી જે ગિફ્ટ સિટીની કંપનીમાં કામ કરે છે તેમની હાજરીમાં જ આ દારૂનું સેવન કરવાની અનુમતિ મળશે. દરેક વિઝિટરને દારૂ પીવાની છૂટ નહીં મળે.
ગિફ્ટ સિટીમાં નેશનલ અને ઈન્ટરનેશનલ કંપનીઓ છે. જેમાં ગ્લોબલ ડિલ, ટેકનિકલ એક્સપર્ટ, આર્થિક ગતિવિધિઓ તથા ગ્લોબલ ઈન્વેસ્ટર્સ, ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. જેથી અહીં દેશ વિદેશથી કર્મચારીઓ, વિઝિટર આવશે તેમને ધ્યાનમાં રાખીને દારૂબંધીના નિયમ આ વિસ્તારમાં હળવા કરવાનો નિર્ણય કરાયો છે.
સમગ્ર ગુજરાતમાં 1960થી દારુબંધી છે. જોકે છેલ્લા દાયકામાં રાજ્યએ વિદેશી મૂડીરોકાણને આકર્ષવા માટે પ્રતિબંધને હળવો કરવા શ્રેણીબદ્ધ પગલાં લીધાં છે. સૌપ્રથમ, રાજ્યમાં સ્થપાયેલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)ને દારૂના વપરાશને લગતા રાજ્યના કાયદામાંથી મુક્તિ આપવામાં આવી હતી. આ પછી પ્રવાસન નીતિના ભાગ રૂપે સરકારે કેટલીક હોટલોમાં લાઇસન્સ પ્રાપ્ત દારૂની દુકાનોને મંજૂરી આપી છે જ્યાં ફક્ત પ્રવાસીઓ જ લાઇસન્સવાળી દુકાનોમાંથી દારૂ ખરીદી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ 60 હોટલો અને ક્લબો એવી છે કે જેને પ્રવાસીઓને માટે દારૂની દુકાનોની પરવાનગી આપવામાં આવી છે. લાઇસન્સ ધરાવા લિકર સ્ટોર્સ લગભગ 48,000 સ્થાનિક પરમિટ ધારકોને પણ દારુનું વેચાણ કરી શકે છે.