ઉત્તર ગુજરાતના વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં મોહનથાળની પ્રસાદીના વિવાદમાં સરકારે સ્પષ્ટતા કરતા ભક્તોમાં વિરોધ વધવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસથી અંબાજી મંદિરમાં બંધ કરાયેલા મોહનથાળ પ્રસાદના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ સ્થિતિમાં સરકારે અંતે પ્રસાદમાં ચીક્કી આપવાનો જ નિર્ણય કર્યો છે.
ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે શનિવારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, અંબાજીએ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું પ્રતીક છે. કોવિડ દરમ્યાન સવા કરોડ લોકોએ ઓનલાઈન દર્શન કર્યા હતા અને પ્રસાદ પણ ઓનલાઈન મંગાવી રહ્યા હતા. અગિયારસ, પૂનમ વખતે મોહનથાળ લઈ શકાતો નથી તેવી માન્યતા હતી તેમ છતાં પ્રસાદ આપવામાં આવતો હતો. મંદિર દ્વારા જે ચીકીનો પ્રસાદ આપવામાં આવે છે તેનું આયુષ્ય 3 માસ હોય છે, જ્યારે મોહનથાળ લાંબો સમય ટકતો નથી. સ્પેશિયલ ચીક્કીમાં માવો હોય છે, તે ફરાળમાં લઇ શક્ય તેવો પ્રસાદ છે. દેશ વિદેશમાં મોકલીએ તો પણ તે બગડે નહીં. જ્યારે મોહનથાળ બગડી જાય છે. જેથી મંદિર દ્વારા ચીક્કીનો પ્રસાદ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.