આ વર્ષે 1 લી મે ના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી જામનગરમાં થશે. આ નિમિત્તે રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ થશે. સાથે જ અહીં શસ્ત્ર-પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જામનગર શહેરના ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધી પોલીસ પરેડ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, જેની તૈયારીના ભાગરૂપે પરેડનું રીહર્સલ પણ કરવામાં આવ્યું હતું. આ પરેડમાં ૧૯ પ્લાટુનના ૮૦૦ જવાનો સહભાગી થશે. પરેડમાં ચેતક કમાન્ડો, બુલેટપ્રુફ ગાડી, અશ્વદળ અને પોલીસ બેન્ડના આકર્ષણો પણ હશે. આ પરેડમાં ગુજરાતની અસ્મિતા અને હાલારની સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક લોકનૃત્યો પણ રજૂ થશે.