ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રના પ્રથમ દિવસે રૂપાણી સરકારે ખેડૂતોને 3,700 કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરી છે. પાકને થયેલા નુંકસાનને કારણે રૂપાણી સરકારે સહાય પેકેજની જાહેરાત કરી છે.
સરકારની જાહેરાત મુજબ પાકને 33%થી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને વળતર અપાશે. 33%થી વધુ નુકસાનમાં પ્રતિ હેકટર 10 હજાર રૂપિયાની સહાય ચુકવવામા આવશે. ઓછી જમીન ધરાવતા ખેડૂતોને ઓછામા ઓછા 5,000 રૂપિયા ચુકવવાનો સરકારે નિર્ણય કર્યો છે.
સરકારે જાહેર કરેલા પેકેજ અંગે કૃષિમંત્રી વિગત આપી હતી. તેમણે કહ્યું કે, ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું છે. જે વિસ્તારમાં નુકસાન થયું હતું ત્યાંથી અનેક નેતાઓ અને ખેડૂતોની રજુઆતો સામે આવી હતી. જેને લઈને સરવે કરવામાં આવ્યો હતો. અને આ બાબતે સરકારની ચાર થી પાંચ મિટિંગ પણ થઈ હતી.
આ સહાય પેકેજથી રાજ્યના 27 લાખ જેટલા ખેડૂતોને લાભ મળશે. અંદાજે 37 લાખ હેકટર વિસ્તાર સહાયને પાત્ર થશે. સહાય માટે ઓનલાઈન અરજી કરવા 1 પહેલી ઓક્ટોબરથી પોર્ટલ ખુલ્લું મુકાશે. ખેડૂતો નજીકના ઈ-ગ્રામ કેન્દ્રથી પાક નુકસાન સહાય માટે અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.