ગુજરાતમાં ચાલુ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP)એ મંગળવારે તેના 10 ઉમેદવારોની પ્રથમ યાદી જારી કરી હતી. તાજેતરમાં પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય સફળતા મળ્યા બાદ અરવિંદ કેજરીવાલાની પાર્ટી ગુજરાતમાં પણ તેનું પુનરાર્વતન કરવા માગે છે અને આપના સુપ્રીમો કેજરીવાલે એક મહિનામાં ચાર વખત ગુજરાતની મુલાકાતે આવી ગયા છે.
ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પક્ષના 10 ઉમેદવારોની યાદી જાહેર કરતા જણાવ્યું હતું કે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે ચૂંટણીને 3થી 4 મહિના જેટલો સમય બાકી હોય અને પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે. આપે પોતાની પહેલી યાદીમાં 182માંથી 10 બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા છે.
આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીને દિયોદર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જગમલ વાળાને સોમનાથની જવાબદારી સોંપવામાં આવી છે. આપના આદિવાસી સમાજના નેતા અર્જુન રાઠવાને છોટા ઉદેપુરની બેઠક માટે ઉમેદવાર પસંદ કરાયા છે. સાગરભાઈ રબારીને બેચરાજી બેઠક માટે ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા છે. દલિત કાર્યકર વસરામભાઈ સાગઠીયાને રાજકોટ ગ્રામ્ય બેઠક માટે ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા છે. સુરત આપના યુવાન નેતા સુરતના રામ ધડૂકને કામરેજની સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયાને રાજકોટ દક્ષિણ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. સુધીરભાઈ વાઘાણીને ગારિયાધાર બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રે કામ કરતા ભૂતપૂર્વ સરપંચ રાજેન્દ્રભાઈ સોલંકીને બારડોલીની બેઠક માટે ટિકિટ આપવામાં આવી છે. ઓમ પ્રકાશ તિવારીને અમદાવાદની નરોડા બેઠક પરની ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં મોટી સફળતા મેળવી હતી, પરંતુ ગાંધીનગરની કોંર્પોરેશનની ચૂંટણીમાં નિરાશા મળી હતી. પરંતુ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અગાઉથી જ ગુજરાત આપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેવામાં આવી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના કરતા પણ ઓછો સમય બાકી છે ત્યારે ભાજપ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરાઈ છે. કોંગ્રેસમાં આંતરિક માહોલ છે તેનો ફાયદો ઉઠાવવા માટે આપ પોતાને ભાજપ સામે મજબૂત વિકલ્પ ગણાવીને મેદાનમાં ઉતરી ગયો છે.