ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ગુરુવારે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 59.24 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે કેટલાક મતદાન મથકોમાંથી ડેટા પ્રાપ્ત થયો ન હતો અને તેમાં પોસ્ટલ બેલેટ્સનો પણ સમાવેશ થતો ન હોવાથી મતદારોનો મતદાનનો આંકડો કામચલાઉ હતો.આ બેઠકો પર 788 ઉમેદવારોનો ભાવિ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)માં સીલ થયું હતું.
ચૂંટણીપંચના ડેટા અનુસાર તાપી જિલ્લામાં સૌથી વધુ 72.32 ટકા મતદાન નોંધાયું હતું. આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લામાં વ્યારા અને નિઝર એમ બે વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. 68.09 ટકા મતદાન સાથે નર્મદા જિલ્લો બીજા ક્રમે રહ્યો હતો. સાંજે 5 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગરમાં સૌથી ઓછું 51.34 ટકા મતદાન નોંધાયું હતું.
નર્મદા સિવાય અન્ય ચાર જિલ્લાઓમાં 60 ટકાથી વધુ મતદાન નોંધાયું છે તેમા નવસારી (65.91 ટકા), ડાંગ (64.84 ટકા), વલસાડ (62.46 ટકા) અને ગીર સોમનાથ (60.46 ટકા)નો સમાવેશ થાય છે.
AAPના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી અને AAP રાજ્ય એકમના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા (જામનગર નોર્થ), ભાજપના ધારાસભ્યો હર્ષ સંઘવી અને પૂર્ણેશ મોદી સહિતના ઉમેદવારોનું ભાવિ પણ ઇવીએમમાં સીલ થયું હતું.
ઇસુદાન ગઢવી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. AAP રાજ્ય એકમના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતના કતારગામથી ચૂંટણી લડી રહ્યા છે.
આ ઉપરાંત લલિત કગથરા, લલિત વસોયા, રૂત્વિક મકવાણા અને મોહમ્મદ જાવેદ પીરઝાદા જેવા કોંગ્રેસના ધારાસભ્યો પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર પ્રદેશની બેઠકો પરથી મેદાનમાં છે.
ભાજપ અને કોંગ્રેસ તમામ 89 સીટો પર ચૂંટણી લડી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) 88 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. સુરત પૂર્વ મતવિસ્તારમાંથી તેના એક ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ના કાર્યાલયે એક રિલીઝમાં જણાવ્યું હતું કે ગુરુવારે 14,382 મતદાન મથકો પર સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યાની વચ્ચે મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં મતદાન થયું છે તેવી 89 બેઠકોમાંથી 2017ની ચૂંટણીમાં ભાજપે 48 પર જીત મેળવી હતી, કોંગ્રેસે 40 પર જીત મેળવી હતી, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારે જીતી હતી.
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ઉપરાંત બહુજન સમાજ પાર્ટી (BSP), સમાજવાદી પાર્ટી (SP), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (CPI-M) અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)સહિતના 36 રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. BSPએ 57 ઉમેદવારો, BTPએ 14 અને CPI-Mએ ચાર ઉમેદવારો ઊભા રાખ્યા છે.પ્રથમ તબક્કાના મતદાનમાં 339 જેટલા અપક્ષો પણ મેદાનમાં છે.
કુલ 788 ઉમેદવારોમાંથી 70 મહિલાઓ છે જેમાં ભાજપ દ્વારા 9, કોંગ્રેસ દ્વારા છ અને AAP દ્વારા પાંચ ઉમેદવારો મેદાનમાં છે.
54 બેઠકો સાથે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ કોંગ્રેસ માટે નિર્ણાયક બનશે, કારણ કે તે તેનું પ્રદર્શન સુધારવા માંગે છે. આ પ્રદેશમાં કોંગ્રેસે 2012ની ચૂંટણીમાં 16ની સરખામણીમાં 2017માં 30 બેઠકો જીતી હતી. બીજી તરફ, ભાજપને આ પ્રદેશમાંથી 2017માં 23 બેઠકો મળી હતી.અગાઉની ચૂંટણીમાં ભાજપે 35 બેઠકો જીતી હતી.
દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે 2017માં 10 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપ 25 બેઠકો જીતી હતી. દક્ષિણ ગુજરાતમાં 12 બેઠકો સાથે સુરત શહેરનો પણ સમાવેશ થાય છે જે લાંબા સમયથી ભાજપનો ગઢ છે.
રાજ્યના સીઈઓના કાર્યાલયે જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ 4,91,35,400 નોંધાયેલા મતદારોમાંથી 2,39,76,670 ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન કરવા માટે લાયક હતા. આમાં 18-19 વર્ષની વય જૂથના 5.74 લાખ મતદારો અને 99 વર્ષથી વધુ વયના 4,945 મતદારોનો સમાવેશ થતો હતો.પ્રથમ તબક્કામાં ચૂંટણી માટે કુલ 34,324 બેલેટ યુનિટ, સમાન સંખ્યામાં કંટ્રોલ યુનિટ્સ અને 38,749 વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) મશીનોનો ઉપયોગ કરાયો હતો.