ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠક માટે ત્રણ નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણીમાં સરેરાશ 58.14 ટકા મતદાન થયું હતું. કોવિડના નિયમોનું પાલન કરીને યોજવામાં આવેલા ચૂંટણીમાં મહદઅંશે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. સૌથી વધુ ડાંગ બેઠક પર 74.71 ટકા મતદાન થયું હતું. ગઢડામાં નૂતન વિદ્યાલય મતકેન્દ્ર પર બોગસ મતદાનના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના કાર્યકારો વચ્ચે પોલીસની હાજરીમાં મારામારી થઈ હતી.
આ ઉપરાંત કરજણ બેઠકમાં 65.94 ટકા, કપરાડામાં 67.34 ટકા, અબડાસામાં 61.15 ટકા, લીંબડીમાં 56.46 ટકા, મોરબી બેઠક પર 51.88 ટકા, ગઢડામાં 47.86 ટકા અને ધારી બેઠક પર 45.74 ટકા મતદાન થયું હતું. વિધાનસભાની આ આઠ બેઠકમાં કુલ 18.75 લાખ મતદારો હતા. આ મતદાન સાથે 80 ઉમેદવારનું ભાવિ મતપેટીમાં બંધ થયું હતું.
મોરબીમાં 20 મતદાન કેન્દ્રમાં EVMમાં ખરાબી જોવા મળી હતી, જેના કારણે તાત્કાલિક ધોરણે તમામ ઇવીએમને બદલવામાં આવ્યા હતા. આ દરમિયાન મોરબીના કોંગ્રેસના ઉમેદવારે દાવો કર્યો હતો કે તેઓ 20,000થી વધુના મતની લીડથી જીત હાંસલ કરશે.
મોરબી અને કરજણ મુદ્દે કોંગ્રેસે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર પર મતદાન સમયે પણ પ્રચાર કરતા હોવાની ફરિયાદ કરી છે. ભાજપે કોંગ્રેસના એજન્ટો હેરાન કરતા હોવાની ફરિયાદ કરી હતી. બીજી તરફ કોંગ્રેસે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની મોરબી શહેરમાં પ્રચાર કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ કરજણ બેઠક પર પોલીસ હેરાન કરતી હોવાની કોંગ્રેસે ફરીયાદ કરી હતી.
અબડાસા બેઠક પર ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા અને કોંગ્રેસના ડો શાંતિલાલ સંઘાણી વચ્ચે જંગ છે. મોરબી બેઠકમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મરેજા અને કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ, ધારી બેઠક બેઠકમાં ભાજપના ઉમેદવાર જે વી કાકડિયા અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા છે. કરજણ બેઠકમાં ભાજપના અક્ષય પટેલ અને કિરીટસિંહ જાડેજા વચ્ચે જંગ છે. ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર આત્મરામ પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર મોહનલાલ સોલંકી છે. કપરાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જિતુ ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠા છે, જ્યારે ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજય પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર સુર્યકાંત ગામિત છે. લીંબડી બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણા અને કોંગ્રેસના ચેતન ખાચર વચ્ચે ચૂંટણી જંગ છે.
અગાઉ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ગયા માર્ચ મહિનામાં અબડાસા, ધારી, ગઢડા, ડાંગ અને લીંબડી બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્યો અનુક્રમે પ્રદ્યુમનસિંહ, જે.વી. કાકડિયા, પ્રવીણ મારૂ, મંગળ ગાવિત, સોમાભાઇ પટેલે રાજીનામા આપ્યાં હતાં. ત્યાર બાદ જૂન મહિનામાં કોંગ્રેસના જ ધારાસભ્યો કરજણના અક્ષય પટેલ, કપરાડા બેઠક પરથી જિતુ ચૌધરી અને મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાએ રાજીનામાં આપ્યાં હતાં, તેનાથી વિધાનસભાની આ બેઠકો પર પેટાચૂંટણીની જરૂરિયાત ઊભી થઈ હતી.