ગુજરાતમાં કોરોનાના કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 511 નવા દર્દીઓ નોંધાયા છે. આમ, ગુજરાતમાં સતત બે દિવસ કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા હોય તેવું સૌપ્રથમ વાર બન્યું છે.
ગુજરાતમાં હવે કોરોનાના કુલ કેસનો આંક વધીને 23590 થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 29 સાથે કુલ મૃત્યુઆંક હવે 1478 થઇ ગયો છે. કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે.
આરોગ્ય વિભાગ દ્વારા જારી વિગત પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ-સુરત-વડોદરા-સુરેન્દ્રનગર-ગાંધીનગરમાં સૌથી વધુ કેસનો સમાવેશ થાય છે.
અમદાવાદ જિલ્લામાં વધુ 334 કેસ નોંધાયા હતા. અમદાવાદ જિલ્લામાં કોરોનાના 300થી વધુ કેસ નોંધાયા હોય તેવું સતત 10માં દિવસે બન્યું છે. આમ, અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 16640 થઇ ગયો છે. જેમાં એક્ટિવ કેસ 3856 છે.
સુરતમાં વધુ 76, વડોદરામાં 42, ગાંધીગરમાં 8 નવા કેસ નોંધાયા હતા. આમ, કુલ કેસનો આંક સુરતમાં હવે 2579, વડોદરામાં 1553, ગાંધીનગરમાં 467, મહેસાણામાં 185 થઇ ગયો છે. ગુજરાતના 15 જિલ્લાઓમાં હાલ 100થી વધારે કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં ઓછામાં ઓછો 1 એક્ટિવ કેસ છે.
છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં સૌથી વધુ 22ના મૃત્યુ થયા છે. આમ, અમદાવાદમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1187 થઇ ગયો છે. સુરતમાં વધુ 4 સહિત હવે મૃત્યુઆંક 100 ઉપર પહોંચ્યો છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં અરવલ્લી-મહેસાણા-પંચમહાલમાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયેલા છે.
ગુજરાતમાં હાલ 5779 એક્ટિવસ કેસ છે અને તેમાંથી 66 વેન્ટિલેટર પર છે જ્યારે 5713 સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં 442 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 224, સુરતમાંથી 99, વડદોરમાંથી 66, ગાંધીનગરમાંથી 12, જામનગરમાંથી 11નો સમાવેશ થાય છે.
આમ, ગુજરાતમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા હવે 16333 થઇ ગઇ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કુલ 2,14,885 વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે. આ પૈકી 2,08,666 હોમ ક્વોરન્ટાઇન અને 6219 ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં છે.