ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત છે. કોરોનાની સ્થિતિ મુદ્દે આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવીએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 38 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જેમાં ત્રણ સ્થાનિક દર્દીઓ છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં કુલ 14 પોઝિટિવ કેસ અત્યારસુધીમાં નોંધાયા છે. સુરત અને વડોદરામાં 7-7, ગાંધીનગરમાં છ અને રાજકોટમાં 3 તથા કચ્છમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.
સાબરકાંઠાના ઇડરના વેરાવળ ગામમાં મુંબઇથી આવેલા પરિવારે સરકારના નિયમોનો ભંગ કર્યો હતો. સરકારના ધારાધોરણ મુજબ આઇસોલેટેડ ન થતાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઇડર પોલીસે 14 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કોરોનાના કહેર વચ્ચે મંગળવારે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો હતો. શ્રીલંકા થી પરત ફરેલા નિઝામપુરાના બિલ્ડરનો ચેપ પરિવારને લાગતાં અગાઉ ત્રણ સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
મંગળવારે બિલ્ડરના પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 7 પર પહોંચ્યો હતો. સુરત શહેરમાં વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જેથી પોઝિટિવનો આંકડો સાત પર પહોંચ્યો છે. જ્યારે એકનું મૃત્યું પણ નિપજ્યું છે. હાલ ચાર જેટલા શંકાસ્પદ છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.
રાજ્યના મોટાભાગના મંદિરો પણ બંધ હોવાથી ભક્તો નવરાત્રીના સમયે પૂજા-આરતીમાં સામલ પણ નહીં થઈ શકે. ઘરે બેઠા જ માતાજીની આરતી કરવી પડશે. આ દિવસોમાં સોના-ચાંદીની ખરીદીમાં પણ વધારો થતો હોય છે. જોકે એ પણ બંધ હોવાથી વેપારીઓ હતાશ છે. બીજી તરફ 15 એપ્રિલથી લગ્નગાળો શરૂ થઈ રહ્યો છે. પરંતુ આ દિવસોમાં જે પણ પરિવારે કોઇના લગ્ન લીધા હશે તેઓને ઘણી મુશ્કેલી પડી શકે છે. કારણ કે, લગ્ન માટેની ખરીદી પણ કરવી શક્ય થાય તેમ નથી.