ગુજરાતમાં 27 એપ્રિલની ટોચ પછીથી કોરોનાના નવા કેસ અને મોતની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે સરકારે કોરોનામુક્ત ગામડાનું અભિયાન ચાલુ કર્યું હોવા છતાં કોરોના ગામડામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. મે મહિનામાં રાજ્યના કુલ દૈનિક કેસોમાંથી 41 ટકા કેસ ગામડામાં નોંધાયા હતા અને દૈનિક મોતમાંથી 53 ટકા મોત પણ ગામડામાં થયા હતા.
સરકારે મંગળવારે સાંજે જારી કરેલા ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 10,990 કેસ નોંધાયા હતા અને 118 દર્દીના મોત નીપજ્યા હતા. મંગળવારે રાજ્યમાં 15,198 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. 27 એપ્રિલે રાજ્યમાં 14,500 જેટલા કોરોના કેસ હતા, જે હવે ઘટી રહ્યાં છે. કોરોનાથી અત્યાર સુધી રાજ્યોમાં કુલ 8,629 લોકોના મોત થયા છે. 11મેના રોજ રાજ્યમાં કુલ 1,31,832 દર્દી સારવાર હેઠળ હતા, જેમાંથી નાજુક સ્થિતિના કારણે 798 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતી.
ગુજરાતમાં રવિવાર, 9 મેએ કોરોનાથી 121 લોકોના મોત થયા હતા, જેમાંથી 54 ટકા મોત બિનશહેરી વિસ્તારોમાં થયા હતા, જ્યારે 46 ટકા મોત આઠ મોટો શહેરોમાં થયા હતા. એક મહિના પહેલા નવ એપ્રિલે દરેક 42માંથી 35 મોત શહેરી વિસ્તારમાં થયા હતા. આમ દૈનિક મોતમાંથી શહેરી વિસ્તારોનો હિસ્સો 83 ટકા જેટલો ઊંચો હતો. નવા આંકડા દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારમાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારાની સાથે મોતની સંખ્યામાં પણ વધારો થયો છે. તેનાથી રાજ્ય સરકારે કોરોનામુક્ત ગામડાનું અભિયાન ચાલુ કર્યું છે. મે મહિનામાં રાજ્યના કુલ દૈનિક કેસોમાંથી 41 ટકા કેસ ગામડામાં નોંધાયા હતા અને દૈનિક મોતમાંથી 53 ટકા મોત પણ ગામડામાં થયા હતા.
સરકારે મંગળવારે જારી કરેલા ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં નવા 3263 કેસ સાથે 20 દર્દીનાં મોત, સુરતમાં નવા 1092 કેસ સાથે 11 દર્દીનાં મોત, વડોદરામાં નવા 1230 કેસ સાથે 12 દર્દીનાં મોત, રાજકોટમાં નવા 572 કેસ સાથે 11 દર્દીનાં મોત, ભાવનગરમાં નવા 338 કેસ સાથે 4 દર્દીનાં મોત, જામનગરમાં નવા 565 કેસ સાથે 14 દર્દીનાં મોત, ગાંધીનગરમાં નવા 269 કેસ સાથે એક દર્દીનાં મોત, જૂનાગઢમાં નવા 514 કેસ સાથે 8 દર્દીનાં મોત થયા હતા.