ગુજરાતમાં કોરોના વાયરસની વિગતો જણાંવતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ કહ્યું હતું કે હોટસ્પોટ વિસ્તારોમાં ઘરે-ઘરે જઇને ચકાસણી અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં હોવાથી પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ગઇકાલ સાંજથી અત્યાર સુધીમાં 46 નવા કેસ નોંધાયા છે અને 2ના મૃત્યુ થયા છે જ્યારે 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 308 થયા છે અને કુલ મૃત્યાંક 19 થયો છે.
રાજ્યમાં દર્દીઓની સંખ્યા હજુ વધશે. ગઇકાલ સાંજથી અત્યાર સુધીમાં અમદાવાદમાં નવા 11 કેસ, વડોદરામાં 17, રાજકોટમાં 5, ભરૂચમાં 4, ભાવનગરમાં 4, પાટણમાં 2, કચ્છમાં 2 અને ગાંધીનગરમાં એક નવો કેસ નોંધાયો છે. અમદાવાદમા આરોગ્ય વિભાગના એક ડૉક્ટરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું છે. અમદાવાદમાં ગુરુવારે એક જ દિવસમાં કોરોનાના 58 પોઝિટિવ કેસ નોંધાયા હતા.
ખાસ કરીને દાણીલીમડાનો સફી મંજિલ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર રહ્યું હતું. અહીં એક વ્યક્તિનો ચેપ 30ને લાગ્યો હતો. ગુરુવારે નોંધાયેલા તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. 58 કેસમાંથી 30 કેસ સફી મંજિલ વિસ્તારના છે. અગાઉ અહીં એક પોઝિટિવ કેસ મળતા સમગ્ર વિસ્તારને ક્લસ્ટર કવોરન્ટાઈન કરાયો હતો. તે પછી અહીં નાની નાની ચાલીઓમાં રહેતા 128 લોકોના સેમ્પલ લેવાયા હતા.
વડોદરામાં નાગરવાડાના સૈયદપુરાના જ એક દિવસમાં 21-21 પોઝિટિવ રિપોર્ટ જાહેર થયાં છે. જ્યારે એક ખાટકીવાડાનો એમ કુલ મળીને 22 કોરોના પોઝિટિવ એક જ દિવસમાં વધતાં તંત્રની ચિંતા વધી છે. બીજી તરફ નાગરવાડા અને તાંદળજામાં પણ પોલીસે બંદોબસ્ત રાખીને ક્લસ્ટર ક્વોરન્ટાઇન્ડ વિસ્તારોને સૂમસામ રાખ્યાં હતા.