ગુજરાતમાં ૩૦ મેથી પ્રત્યેક બે દિવસે કોરોનાના કેસમાં ૧ હજારથી વધુનો વધારો થવાનો સિલસિલો જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 470 કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨૧ હજારને પાર થઇને 21044 થઇ ગયો છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી બાદ ગુજરાત એવું ચોથું રાજ્ય છે જ્યાં કોરોનાના કુલ કેસનો આંક 21 હજારને પાર છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ૩૩ના મૃત્યુ સાથે મૃત્યુઆંક 1313 થઇ ગયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસમાંથી 70 ટકા માત્ર અમદાવાદમાંથી નોંધાયા હતા. અમદાવાદમાં વધુ 331 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આ સાથે જ અમદાવાદમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કુલ કેસનો આંક ૩૦૦થી વધુ નોંધાયો છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક 14692 થઇ ગયો છે.
રાજ્યમાં અન્યત્ર કે જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં 62 સાથે સુરત, 32 સાથે વડોદરા, 8 સાથે ગાંધીનગરનો સમાવેશ થાય છે. રાજ્યના 20 જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા. આ સાથે કુલ જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે તેમાં 2208 સાથે સુરત, 1360 સાથે વડોદરા, 432 સાથે ગાંધીનગર, 161 સાથે મહેસાણા અને 145 સાથે ગાંધીનગરનો સમાવેશ થાય છે.