ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થવાનો સિલસિલો જારી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના વધુ 492 કેસ નોંધાયા હતા. આમ, ગુજરાતમાં આજે એક જ દિવસમાં અત્યારસુધીના કોરોનાના સર્વોચ્ચ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાના 400થી વધુ કેસ નોંધાયા હોય તેવું સતત છઠ્ઠા દિવસે બન્યું છે.
આ સાથે જ ગુજરાતમાં કોરાનાના કુલ કેસનો આંક 18609 થઇ ગયો છે.
આજે વધુ 33 સહિત કુલ મૃત્યુઆંક 1155 થયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 455 વ્યક્તિ સહિત કુલ 12667 કોરોનાને પરાસ્ત કરવામાં સફળ રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામં આવેલી વિગતો અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 21 જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 291 કેસનો સમાવેશ થાય છે.
અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 13354 થઇ ગયો છે. છેલ્લા 24 કલાકની આ સ્થિતિ પ્રમાણે અમદાવાદમાં પ્રત્યેક કલાકે સરેરાશ 12 નવા કેસ નોંધાઇ રહ્યા છે તેમ કહી શકાય. આ સિવાય જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં 81 સાથે સુરત, 39 સાથે વડોદરા, 21 સાથે પાટનગર ગાંધીનગરનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં કોરોનાના કેસ ઉપરાંત મૃત્યુઆંકમાં વધારો પણ જારી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 33 વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 28 જ્યારે બોટાદ-કચ્છ- ગાંધીનગર-પાટણ-વલસાડ ખાતે 1-1 મૃત્યુનો સમાવેશ થાય છે. આમ, અમદાવાદમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક હવે 938 થઇ ગયો છે.રાહતની વાત એ છે કે, વધુ 455 વ્યક્તિ કોરોનાને હરાવવામાં સફળ રહી છે.
જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 296, સુરતમાંથી 53, મહીસાગરમાંથી 51, વડોદરામાંથી 34નો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાક દરમિયાન 6023 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ કોવિડ-19ના કુલ ટેસ્ટનો આંક હવે 2,33,921 થઇ ગયો છે. ગુજરાતમાં હજુ 2,20,695 વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે.
આ પૈકી 2.13 લાખ હોમ ક્વોરન્ટાઇન જ્યારે 7433 ફેસિલિટી ક્વોરન્ટાઇન છે. ગુજરાતમાં છેલ્લા 7 દિવસમાં કોરોનાના 3037 કેસ નોંધાઇ ચૂક્યા છે અને 195ના મૃત્યુ થયા છે જ્યારે 35873 ટેસ્ટ થયા છે. આમ, ગુજરાતમાં પ્રત્યેક 100 ટેસ્ટે કોરોના પોઝિટિવ આવવાનું પ્રમાણ 8.50% છે. કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે