ગુજરાતમાં કોરોનાનુ સંકટ હજુય ટળ્યુ નથી.રોજરોજ કેસો અને મૃત્યુદર ચિંતાજનકહદે વધી રહ્યો છે.ઉંચા મૃત્યુદરને લઇને ગુજરાત હાઇકોર્ટે પણ રૂપાણી સરકારને ફટકાર લગાવી છે તેમ છતાંય સ્થિતીમાં કોઇ ઝાઝો ફરક પડયો નથી.આ તરફ,રાજ્ય આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે, રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર વધ્યો છે પણ મૃત્યુદરને લઇને સરકારનું મૌન યથાવત રહ્યું છે. આજે પણ ગુજરાતમાં વધુ 361 કેસો નોંધાયા હતાં. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના કુલ 14829 કેસો નોંધાઇ ચૂક્યાં છે. છેલ્લાં 24 કલાકમાં જ રાજ્યમાં કોરોના વધુ 27 દર્દીઓને ભરખી ગયો હતો જેના કારણે મૃત્યુઆંક વધીને 915 સુધી પહોચ્યો છે.
ગુજરાતમાં લોકડાઉન પાર્ટ-5માં રાજ્ય સરકારે છુટછાટ આપતાં કોરોનાના કેસોમાં ઉછાળો થયો છે.શહેરોમાં જ નહીં પણ હવે ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વધવા માંડયુ છે કેમકે,લોકડાઉનમાં રાહત મળતાં જ અમદાવાદ,રાજકોટ,વડોદરા અને સુરતમાંથી લોકોએ વતન તરફ દોટ મૂકી છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ય કોરોનાના કેસોમાં વધારો થયો છે પરિણામે રાજ્ય સરકારે સરપંચ અને તલાટીઓને બહારગામથી આવતાં લોકો પર નજર રાખવા આદેશ કર્યો છે.
છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં નવા 361 કેસો નોંધાયા હતાં જેમાં અમદાવાદ શહેરમાં 251 કેસો નોંધાયા હતાં.અમદાવાદ શહેરમાં ય હવે કોરોનાની પેટર્ન બદલાઇ છે.પૂર્વ વિસ્તારની સાથે સાથે હવે નદીપાર વેજલપુર,નવા વાડજ સહિતના વિસ્તારોમા કોરોનાના કેસો વધી રહ્યાં છે.અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ કેસોનો આંક વધીને 10841 થયો છે.રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 6777 છે.
અમદાવાદ ઉપરાંત સુરતમાં 36,વડોદરામાં 31,સાબરકાંઠામાં 8,ગાંધીનગરમાં 7,જામનગરમાં 5,બનાસકાંઠામાં 3,મહિસાગરમાં 3,વલસાડમાં 3,ભાવનગરમાં 2, અરવલ્લીમાં 2, કચ્છમાં 2, નવસારીમાં 2,જૂનાગઢમાં 1,મહેસાણાંમાં 1,પંચમહાલમાં 1,અમરેલીમાં 1, પાટણમાં 1 અને રાજકોટમાં 1 એમ કુલ મળીને 361 કેસો નોંધાયા હતાં. જોકે, રાહતના સમાચાર એ છેકે,ભરુચ,છોટાઉદેપુર,ડાંગ અને દેવભૂમિ દ્વારકામાં છેલ્લા એકાદ સપ્તાહથી કોરોનાનો એકેય કેસ નોંધાયો નથી.
લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ કોરોનાના કેસોમાં વધારો થયો છે કેમકે,છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 20 જિલ્લામાં કોરોનાના કેસો નોંધાયા હતાં. આ પરથી સાબિત થાય છેકે, રાજ્યમાં કોરોના ગુજરાતમાં પ્રસરી રહ્યો છે.રાજ્યમાં પહેલીવાર એવુ બન્યુ કે,એક જ દિવસમાં 503 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.આરોગ્ય વિભાગનો દાવો છેકે,ગુજરાતમાં દર્દીઓના સાજા થવાનો રેટ 40.89થી વધીને હવે 48.13 ટકા થયો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7137 લોકો કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થઇ ચૂક્યા છે.ગુજરાતમાં કોરોનાનો મોતનો સીલસીલો હજીય બરકરાર રહ્યો છે.દિલ્હી કરતાં ગુજરાતનો મૃત્યુદર ત્રણ ગણો વધુ છે.એટલું જ નહીં,પણ રાજ્યમાં દર 100 વ્યક્તિએ 6 જણાં મોતને ભેટી રહ્યાં છે.આજે પણ અમદાવાદમાં 23 દર્દીઓના મોત નિપજ્યા હતાં. આ ઉપરાંત ખેડા,પંચમહાલ અને સુરતમાં એક એક દર્દીનુ મૃત્યુ થયુ હતું. રાજ્યમાં અત્યારે કુલ 3,64,603 લોકો કવોરન્ટાઇન હેઠળ છે.
ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે.મૃત્યુદર પણ દિલ્હી,રાજ્સ્થાન,કેરાલા સહિત અન્ય રાજ્ય કરતાં વધુ છે.ગુજરાતમાં ઉંચા મૃત્યુદરને રોકવામાં આરોગ્ય વિભાગ સદંતર નિષ્ફળ નિવડયું છે તે જગજાહેર છે. આરોગ્યની સુવિધાને લઇને લોકોના મનમાં સવાલો ઉઠયાં છે ત્યારે વાસ્તવિકતા પર પડદો ઢાંકવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
અમદાવાદ સિવિલમાં કેટલાંના મૃત્યુ થયાં,અમદાવાદ શહેરમાં કયા વિસ્તારમાં કેટલાં કેસો-મૃત્યુ થયાં,ગુજરાતમાં કયા વિસ્તારમાં કેટલાં ટેસ્ટ કરાયાં,કયા જિલ્લામાં કોરોનાની શું સ્થિતી છે.આ બધીય વિગતો જ આપવામાં આવતી નથી.આરોગ્ય વિભાગ પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે માહિતી આપવાનુ ટાળે છે.ગુજરાતના લોકોને કોરોનાના રોગચાળાની સાચી હકીકતથી વાકેફ કરવાને બદલે આરોગ્ય વિભાગ આંખે પાટા બાંધી રહ્યું છે.
