ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે. રવિવારે સાંજે આરોગ્ય વિભાગે છેલ્લાં 24 કલાકના જારી કરેલા ડેટા મુજબ રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1,564 નવા કેસ નોંધાયા હતા. આની સામે 1,451 દર્દીઓ સાજા થયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 16 દર્દીના મોત થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,969 પર પહોંચી ગયો હતો. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,89,420 લોકોને સાજા થતા રજા આપવામા આવેલી છે.
રાજ્યમાં સતત ચોથા દિવસે 1550થી વધુ કેસ નોંધાયા હતા. રાજયમાં રિકવરી રેટ 90.95 ટકા થયો હતો. 1564 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ શહેરમાં 319, અમદાવાદ જિલ્લામાં 26, સુરત શહેરમાં 223, સુરત જિલ્લામાં 55, વડોદરા શહેરમાં 130, વડોદરા જિલ્લામાં 41, રાજકોટ શહેરમાં 96, રાજકોટ જિલ્લામાં 53 કોરોનાના કેસ નોંધાયા હતા.
સરકારની માહિતી મુજબ રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 86 લોકો વેન્ટિલેટર પર હતા. જ્યારે 14,803 દર્દીઓ સ્ટેબલ હતા. અત્યાર સુધીમાં 1,89,420 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
છેલ્લાં 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કુલ 68,960 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેનાથી કુલ કોરોના ટેસ્ટ 77,59,739 થયા હતા. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,17,569 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,17,379 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. 172 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં છ વાર 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌ પ્રથમવાર 21 નવેમ્બરે 1,515, 24 નવેમ્બરે 1,510, 25મી નવેમ્બરે 1,540, 26 નવેમ્બરે 1,560, 28 નવેમ્બરે 1,598, 27 નવેમ્બરે 1600નો આંક વટાવીને 1,607 કેસ, 28 નવેમ્બરે 1,598 અને 29 નવેમ્બરે 1,564 કેસ નોંધાયા હતા.