ગુજરાતમાં કોરોનાના કેસોનો કુલ આંકડો મંગળવારે બે લાખને પાર થઇ ગયો હતો. 19 માર્ચે રાજ્યમાં પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ લોકડાઉન અને કર્ફ્યૂનો અમલ કરાવીને કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા પ્રયાસ કરાયો હતો પરંતુ ત્યારબાદ રાજ્યને તબક્કાવાર અનલોક કરવામાં આવતા રાજ્યમાં કોરોનાના કેસોએ ઉથલો માર્યો હતો.
સરકારે મંગળવારે સાંજે જારી કરેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1,510 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર થઈ હતી. રાજ્યમાં વધુ 16 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,892 થયો હતો. હાલ 14,044 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 1,82,473 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 94 દર્દી વેન્ટીલેટર પર છે અને 13950 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 200409 પર પહોંચી હતી.
અમદાવાદ શહેરમાં નવા 323 કેસ સાથે 12 લોકોના મોત થયા હતા. શહેરમાં બે દિવસમાં 25 લોકોના મોત થયા હતા. અમદાવાદ કોર્પોરેશન 323, સુરત કોર્પોરેશન 219, વડોદરા કોર્પોરેશન 141, રાજકોટ કોર્પોરેશન 83, સુરત 67, બનાસકાંઠા 47, પાટણ 46, રાજકોટ 45, મહેસાણા 43, વડોદરા 40 કેસ નોંધાયા હતા.
માર્ચ મહિનામાં કોરોનાના પ્રથમ સંક્રમણ બાદ કેસોમાં સતત વધારો થયો છે રાજ્યમાં પ્રથમ 1 લાખ કેસ 167 દિવસમાં એટલે કે દરરોજ સરેરાશ 601 કેસ નોંધાયા હતા. જ્યારે બીજા 1 લાખ કેસ માત્ર 82 દિવસમાં નોંધાયા છે એટલે કે દરરોજ સરેરાશ 1201 કેસ નોંધાયા છે. જે દર્શાવે છેકે, રાજ્યમાં કોરોના ગંભીર થઇ રહ્યો છે અને તેની બીજી લહેરમાં વિસ્ફોટક રીતે કોરોનાના કેસો સામે આવશે.
