ગુજરાતમાં કોરોનાને રોકવામાં રાજ્ય સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી હોવાનો અને સરકાર મોતના આંકડા છૂપાવતી હોવાનો સોમવારે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ યોજી આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં કોરોનાથી 2 લાખથી વધુ લોકોના મોત થયા છે, પરંતુ રાજ્ય સરકાર આંકડા છૂપાવવાનું પાપ કરી રહી છે. કોંગ્રેસ દ્વારા કોરોનાથી થયેલા મોતના આંકડા મેળવી સરકારને સોંપવામાં આવશે. મહામારીના પ્રારંભ પછીથી કોરોનાથી મોત થયેલા લોકો અંગે માહિતી એકઠી કરવાની કામગીરી ચાલું કરવામાં આવી છે.
સરકારના ડેટા મુજબ ગુજરાતમાં નવ મે સુધીમાં કોરોનાથી 8,394 લોકોના મોત થયા છે. ગુજરાત કોંગ્રેસનના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની છે. કોવિડ બેડ, ઈન્જેક્શન અને ઓક્સિજન તેમજ ટેસ્ટ માટે લોકોને રખડવું પડે છે. આ માટે સરકારનો અણઘડ વહીવટ અને સંકલન જવાબદાર છે. દરેક ડિઝાસ્ટર એક્ટના બે પાસા હોય છે, જેમાં શિક્ષાત્મક પાસું અને કલ્યાણ પાસું. સરકારે શિક્ષાત્મક પાસાનો ઉપયોગ કરી લોકોને દંડ, મિલકતો સીલ સહિતની કાર્યવાહી કરી, પરંતુ કલ્યાણલક્ષી પાસાને નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે.’ તેમણે કહ્યું કે, ‘નેશનલ ડિઝાસ્ટર એક્ટ મુજબ કોઈનું મૃત્યુ થયા તો સહાય આપવી જોઇએ તે અમારી માંગણી છે.’
કોંગ્રેસે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના નામ, તેમજ મોતના કારણ સાથે શ્વેતપત્ર જાહેર કરવાની માગણી કરતા કહ્યું હતું કે જો સરકાર તેમ નહીં કરે તો, આગામી દિવસોમાં હાઈકોર્ટ જઈશું.’ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે ગામડાઓમાં પરિસ્થિતિ ગંભીર છે, ટેસ્ટીંગ નથી થતા. જિલ્લાની હોસ્પિટલમાં સુવિધાઓ નથી ત્યારે ગામડામાં કોરોના ઝડપથી ફેલાયો છે, જે હજી ખૂબ જ ફેલાશે. ગામડામાં કોરોના અટકાવવા માસ ટેસ્ટીંગ અને વેક્સિનેશન કરવામાં આવે તેવી માંગ છે. વેક્સિનેશનની મોટી મોટી વાતો કરવામાં આવી છે. 1 ડોઝ આપ્યા બાદ બીજા ડોઝ માટે લોકો હેરાન થાય છે.
પ્રેસ કોન્ફરન્સમાં અમિત ચાવડાની સાથે દસાડાના કોંગ્રેસના ધારાસભ્ય નોશાદ સૌલંકી પણ હતા. સોલંકીએ દાવો કર્યો હતો કે એકલા સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના અને બીજા કારણોથી છેલ્લાં 65 દિવસમાં 3,580 લોકોના મોત થયા છે. તે દર્શાવે છે કે સરકારે મોતની સંખ્યાને છુપાવી રહી છે. સરકાર માત્ર 8,394 લોકોના મોતનો દાવો કરે છે, પરંતુ સુરેન્દ્રનગરના ડેટા જોતા લાગે છે કે સમગ્ર રાજ્યમાં વાસ્તવિક આંકડો 25 ગણો વધુ છે, જે આશરે 1.5થી 2 લાખ છે.