ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, રાજયમાં અંદાજે ૨૨૪ જેટલી ઔદ્યોગિક વસાહતોમાં ૭૦ હજાર જેટલા MSME અને મોટા ઉદ્યોગો કાર્યરત છે, આ ઉદ્યોગો અને તેમાં કાર્યરત સેંકડો કુશળ લોકોની આવડતથી ગુજરાત દેશનું મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલાઇઝ્ડ સ્ટેટ, મેન્યૂફેકચરીંગ હબ, ઓટો હબ, ફાર્મા હબ બન્યું છે. રાજયની ઔદ્યોગિક વસાહતો, જી.આઈ.ડી.સી. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત માટેના આધારસ્તંભ છે. રવિવારે મુખ્યમંત્રીએ આણંદ જિલ્લાના ઓડ ખાતે ૩૩ હેક્ટરમાં સ્થપાનારી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની ૨૨૫ મી અને આણંદ જિલ્લાની ૮ મી નવી ઔદ્યોગિક વસાહતનું ભૂમિપૂજન કર્યું હતુ. તેમણે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂા. ૩ કરોડથી વધુ રકમના ખર્ચે શેઢી નદી પર નિર્માણ પામનારા નવા પુલના કામનું પણ ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું.