Gujarat beat Bangalore, Gill's second consecutive century
(PTI Photo/Shailendra Bhojak)

આઈપીએલમાં ગત વર્ષના ચેમ્પિયન ગુજરાતે રવિવારે બેંગલોરને તેના ઘરઆંગણે છેલ્લી લીગ મેચમાં છ વિકેટે હરાવી પ્લે ઓફમાં પહોંચવાની યજમાન ટીમની તક ઝુંટવી લીધી હતી અને ડીફેન્ડીંગ ચેમ્પિયને પોઈન્ટ્સ ટેબલમાં પોતાનું ટોપર તરીકેનું સ્થાન જાળવી રાખ્યું હતું. જો કે, ગુજરાત આ મેચ હાર્યું હોત તો પણ તેના પ્રથમ ક્રમમાં કે પ્લે ઓફ્સમાં સ્થાનમાં કોઈ ફેરફાર થવાનો નહોતો, પણ બેંગલોર માટે આ વિજય ખૂબજ મહત્ત્વનો હતો. આ રીતે, ટીમને અને તેના ચાહકોને હજી પણ આઈપીએલના તાજ માટે રાહ જોવી પડશે.   

બેંગલોરના પરાજય સાથે પ્લેઓફ્સ માટેનું છેલ્લું સ્થાન મુંબઈને ફાળે ગયું હતું. મુંબઈએ રવિવારની જ પહેલી મેચમાં હૈદરાબાદને 8 વિકેટે હરાવી 16 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. જો કે, પ્લેઓફ્સમાં પહોંચેલી મુંબઈની એકમાત્ર ટીમ એવી છે કે જેનો રનરેટ નેગેટીવ રહ્યો છે. 

ટેબલ ટોપર્સ ગુજરાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં 6 વિકેટની જીત સાથે તેમના લીગ તબક્કાની દોડ પૂરી કરી છે. આ જીતથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્લેઓફમાં સ્થાન બનાવવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. મુંબઈએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતની જીતની ઉજવણી કરી હતીકારણ કે બેંગ્લોરના પરાજય સાથે મુંબઈ પ્લેઓફ માટે ક્વોલિફાય થયું હતું.

ગુજરાત – બેંગલોર મેચઃ આઈપીએલ 2023ની છેલ્લી લીગ મેચમાં રવિવારે સાંજે ગુજરાત ટાઈટન્સના સુકાની હાર્દિક પંડ્યાએ ટોસ જીતી રોયલ ચેલેન્જર્સ બેંગલોરને બેટિંગમાં ઉતાર્યું હતું. તેનો આ નિર્ણય ખોટો સાબિત કરતા હોય તેમ સુકાની ફાફ ડુ પ્લેસિ અને વિરાટ કોહલીએ ઓપનિંગ ભાગીદારીમાં 7.1 ઓવરમાં 67 રન કર્યા હતા. પણ એ પછી નિયમિત અંતરે બેંગલોરની વિકેટો એક તરફ ખરતી રહી હતી, તો બીજા છેડે કોહલી અડીખમ ઉભો હતો. તેણે સતત બીજી મેચમાં સદી કરી ટીમને પાંચ વિકેટે 197ના મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. ગુજરાત તરફથી નૂર એહમદે બે અને મોહમદ શામી, યશ દયાલ અને રાશીદ ખાને એક-એક વિકેટ ઝડપી હતી. કોહલીએ 61 બોલમાં એક છગ્ગા અને 13 ચોગ્ગા સાથે અણનમ રહી 101 રન કર્યા હતા. 

જવાબમાં ગુજરાતે સાહાની પહેલી વિકેટ સસ્તામાં ગુમાવ્યા પછી વિજય શંકર અને ઓપનર શુભમન ગિલે ધમાકેદાર બેટિંગ સાથે 12 ઓવર કરતાં ઓછામાં 123 રનની ભાગીદારી કરી હતી. વિજય શંકરે આ સીઝનની તેની ત્રીજી અડધી સદી નોંધાવી હતી. એ પછી દાસુન શનાકા ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયનમાં પાછો ફર્યો હતો, તો ડેવિડ મિલર પણ ફક્ત છ રન કરી વિદાય થયો હતો. આખરે રાહુલ તેવતિયાએ ગિલને સાથ આપ્યો હતો અને ગિલે પણ સતત બીજી મેચમાં સદી કરી હતી, આ વખતે તે અણનમ રહ્યો હતો. તેણે 52 બોલમાં 8 છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે 104 રન કર્યા હતા અને વિનિંગ સ્ટ્રોકનો છગ્ગો પણ તેણે જ ફટકાર્યો હતો. પ્લેયર ઓફ ધી મેચ દેખિતી રીતે ગિલ જ રહ્યો હતો. 

મુંબઈનો વધુ એકવાર 200 રનનો સફળ ચેઝઃ અગાઉ રવિવારની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. રોહિત શર્માએ ટોસ જીતી હૈદરાબાદને બેટિંગમાં ઉતાર્યું હતું. જો કે, હૈદરાબાદના ઓપનર્સ વિવરાંત શર્મા (69) અને મયંક અગ્રવાલે (89) આક્રમક બેટિંગ સાથે રોહિત શર્માને તેનો નિર્ણય ભારે પડ્યાનો અહેસાસ કરાવ્યો હતો, બન્નેએ પહેલી વિકેટની ભાગીદારીમાં 13.5 ઓવરમાં 140 રન ખડકી દીધા હતા. પહેલી વિકેટ નહોતી ગુમાવી ત્યારે તો એક તબક્કે એવું લાગતું હતું કે હૈદરાબાદ 200થી વધુ રનનો જંગી સ્કોર ખડકી દેશે. 

પણ શર્માની પહેલી વિકેટ પડ્યા પછી મુંબઈના બોલર્સે બાજી સુધારી લીધી હતી અને બાકીની છ ઓવર્સમાં હૈદરાબાદ વધુ ચાર વિકેટ ગુમાવી બરાબર 200 રન સુધી જ પહોંચી શક્યું હતું. મુંબઈના આકાશ મધવાલે ચાર વિકેટ લીધી હતી, જેમાં મયંક અગ્રવાલની સૌથી મહત્ત્વની વિકેટનો પણ સમાવેશ થતો હતો. 

જવાબમાં મુંબઈએ ફક્ત બે વિકેટ ગુમાવી 18 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. કેમરોન ગ્રીને 47 બોલમાં 8 છગ્ગા અને 8 ચોગ્ગા સાથે અણનમ 100 રન કર્યા હતા, તો સુકાની રોહિત શર્મા 37 બોલમાં 56 રન કરી વિદાય થયો હતો. 

LEAVE A REPLY