ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલને શનિવારે રાત્રે બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને જામનગરથી રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમની તબિયત સ્થિર હોવાનું માનવામાં આવે છે. ભુપેન્દ્ર પટેલની કેબિનેટમાં સ્થાન ધરાવતા 65 વર્ષના રાઘવજી પટેલ પાસે કૃષિ ઉપરાંત પશુ સંવર્ધન અને મત્સ્ય ઉદ્યોગ, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગનો હવાલો પણ છે.
સિનર્જી હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે રાઘવજી પટેલને મગજની જમણી બાજુએ હેમરેજ થયું છે. શનિવારે રાતે લગભગ 10.30 વાગ્યાની આસપાસ તેમને સ્ટ્રોક આવ્યો હતો. તેમને જામનગરની એક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યાર પછી તેમને રાજકોટ અમારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રવિવારે વહેલી સવારે લગભગ 4 વાગ્યે તેમને રાજકોટની હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા અને તેમને આઈસીયુમાં સારવાર અપાઈ રહી છે.