દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસના વિક્રમજનક નવા કેસને કારણે ગુજરાત સરકારે બીજા રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરો માટે પહેલી એપ્રિલ 2021થી કોરોનાનો RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કર્યો છે. ગુજરાતમાં મંગળવારે કોરોનાના 2,220 નવા કેસ નોંધાયા હતા અને 10 લોકોના મૃત્યું થયાં હતા.
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આદેશ અનુસાર, 1 એપ્રિલ 2021થી દેશના કોઈપણ રાજ્યમાંથી ગુજરાત આવનારા વ્યક્તિએ ફરજિયાતપણે નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. આ ટેસ્ટ ગુજરાતમાં એન્ટ્રી લેવાના વધુમાં વધુ 72 કલાક પહેલા કરાવેલો હોવો જોઈએ. જેમની પાસે નેગેટિવ રિપોર્ટ હશે તેમને જ ગુજરાતમાં એન્ટ્રી મળશે.
અગાઉ 23 માર્ચથી માત્ર મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા લોકો માટે નેગેટિવ રિપોર્ટ ફરજિયાત હતો. જોકે, દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે, ત્યારે હવે તમામ રાજ્યો માટે આ નિયમ લાગુ કરાયો છે. જેના અનુસંધાને અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા લોકોનું સ્ક્રિનિંગ પણ સરકાર દ્વારા ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આ પ્રકારનો નિર્ણય લઈ સુરતમાં રાજ્ય બહારથી આવતા તમામ લોકો માટે એક સપ્તાહ ક્વોરન્ટાઈનમાં રહેવાનું ફરજિયાત બનાવાયું હતું.