સુપ્રીમ કોર્ટે કરેલી આકરી ટીકાને પગલે ગુજરાત સરકારે લગ્ન સમારોહમાં વ્યક્તિઓની સંખ્યાને ઘટાડીને વધુમાં વધુ 100 કરવાનો સોમવારે નિર્ણય કર્યો હતો. અગાઉ લગ્ન સમારોહમાં બંને પક્ષના મળીને 200 જણને હાજર રહેવાની છૂટ આપવામાં આવતી હતી. 24 નવેમ્બર મંગળવારથી લગ્ન સમારંભમાં મહત્તમ 100 વ્યક્તિ હાજર રહી શકશે.
બીજી તરફ કરફ્યુના નિયમોને ભંગ ન થાય તે માટે સવારના ભાગમાં જ લગ્ન સમારોહની યોજવાની ગુજરાત સરકારે અગાઉ સૂચના આપી દીધી હતી. તેથી વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા જે શહેરોમાં રાતના નવ વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરફ્યુનો અમલ હોય તે શહેરોમાં મોડી સાંજે લગ્ન સમારોહ ન યોજવાની સૂચના આપવામાં આવી હતી.
29 અને 30 નવેમ્બરે ગુજરાતના મોટા શહેરોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં હજારો લગ્નો થવાના છે. આ લગ્નસમારોહ પણ કોરોના સંક્રમણ માટે જવાબદાર ન બને તે માટે સરકારે આ પગલાં લીધા છે. ડિસેમ્બર મહિનાની 9મી અને 10મી તારીખે પણ ઘણી મોટી સંખ્યામાં લગ્નસમારોહ થવાના છે. તે વખતે પણ આ જોગવાઈ લાગુ કરવામાં આવશે. લગ્નમાં હાજરી આપવા માટે જેમને આમંત્રણ અપાઈ ચૂક્યા હશે તેમાંથી ઘણાંને હવે કાપવાની ફરજ પડશે. તેને પરિણામે પારિવારિક તનાવ પણ વધવાની સંભાવના રહેલી છે.
બીજી તરફ કોરોના સંક્રમણ કે અન્ય કારણોસર મૃત્યુ પામેલા વ્યક્તિની અંતિમ વિધિમાં અત્યાર સુધી માત્ર 20 વ્યક્તિને જ હાજર રહેવાની છૂટ આપવામાં આવતી હતી. હવે અંતિમ વિધીમાં હાજર રહેનારાઓની સંખ્યા 20થી વધારીને 50 કરવાનો નિર્ણય સરકારે કર્યો છે.