ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડાની સાથે વેક્સીનેશનને પણ વેગ મળી રહ્યો છે. શનિવાર સુધીમાં રાજ્યમાં કોરોના રસીકરણના બે કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં બે કરોડ ડોઝ આપનારું ગુજરાત મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ બાદ ત્રીજું રાજ્ય બન્યું હતું. ગુજરાત આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં દરરોજ વેક્સીનના ત્રણ લાખ ડોઝ આપવામાં આવે છે.
રાજ્યમાં શનિવાર સુધીમાં 1.55 કરોડ લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 45 લાખ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારે વધુ ૨,૯૪,૫૮૩ વ્યક્તિએ કોરોના રસી લીધી હતી. તેની સાથે કુલ રસીકરણનો આંક ૨ કરોડને પાર થયો હતો. સમગ્ર દેશમાં ૧૮થી વધુ વયની વ્યક્તિને કોરોના વેક્સિન આપવામાં આવે છે. ગુજરાતમાં ૧૮થી વધુ વયની વ્યક્તિઓનું પ્રમાણ ૪.૮૯ કરોડ છે. આ પૈકી ૨ કરોડ એટલે કે ૪૦%થી વધુ વસતી કોરોના રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે.
ગુજરાતમાં અત્યારસુધી જે કુલ રસીકરણ થયું છે તેમાંથી ૨૩.૪૭ લાખ એટલે કે ૧૦%થી વધુ માત્ર અમદાવાદ શહેરમાંથી જ કરવામાં આવ્યું છે. સૌથી વધુ રસીકરણમાં સુરત કોર્પોરેશન ૧૬.૧૨ લાખ સાથે બીજા જ્યારે વડોદરા શહેર ૧૦.૨૬ લાખ સાથે ત્રીજા સ્થાને છે. અત્યારસુધી ડાંગમાંથી સૌથી ઓછા ૫૦,૨૦૯નું રસીકરણ થયું છે. સૌથી ઓછું રસીકરણ થયું હોય તેમાં ૧.૧૭ લાખ સાથે જૂનાગઢ કોર્પોરેશન અને ૧.૨૨ લાખ સાથે બોટાદનો પણ સમાવેશ થાય છે.