આઈપીએલ 2022નો ગયા સપ્તાહે શનિવારે આરંભ થયો હતો. ભારતની અને વિશ્વમાં સૌથી લોકપ્રિય એવી ક્રિકેટ લીગમાં સોમવારે (28 માર્ચ) રમાયેલી ત્રીજી મેચ લીગમાં નવી પ્રવેશેલી બન્ને ટીમ્સ – ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે હતો, જેમાં ગુજરાત ટાઈટન્સે લખનૌને પાંચ વિકેટે હરાવી લીગમાં પોતાની સ્પર્ધાનો વિજયી આરંભ કર્યો હતો.
ગુજરાતના સુકાની હાર્દિક પંડ્યાએ ટોસ જીતી લખનૌને પહેલા બેટિંગ લેવા કહ્યું હતું. ટીમે 20 ઓવર્સમાં 6 વિકેટે 158 રનનો ખાસ પડકારજનક કહી શકાય નહીં તેવો સ્કોર કર્યો હતો. દીપક હુડાએ 55 તથા આશિષ બડોનીએ 54 રનનો મુખ્ય ફાળો આપ્યો હતો, તો ગુજરાત તરફથી મોહમ્મદ શમીએ 3, વરૂણ આરોને બે તથા રાશિદ ખાને એક વિકેટ લીધી હતી.
તેના જવાબમાં ગુજરાત ટાઈટન્સે 19.4 ઓવરમાં 5 વિકેટે 161 રન કરી લક્ષ્ય હાંસલ કર્યું હતું. ગુજરાત તરફથી રાહુલ તેવટીઆએ 40, સુકાની હાર્દિક પંડ્યાએ 33 તથા મેથ્યુ વેડ અને ડેવિડ મિલરે 30-30 રન કર્યા હતા. લખનૌએ છ બોલર્સ અજમાવ્યા હતા, જેમાંથી દુશ્મંથ ચમિરાએ 2 તથા અવેશ ખાન, કૃણાલ પંડ્યા અને દીપક હુડાએ એક-એક વિકેટ લીધી હતી. ગુજરાત તરફથી 3 વિકેટ લેનારા મોહમ્મદ શમીને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.