ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટા ઘટાડાને પગલે રાજ્ય સરકારે બુધવારે નિયંત્રણોમાં વધુ મોટી છૂટછાટ આપી હતી. રાજ્યમાં 11 જૂનથી ધાર્મિક સ્થળો, બગીચા, લાઇબ્રેરી અને જીમ, હોટેલ, રેસ્ટોરાં સહિતના જાહેર સ્થળો ફરી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારે મર્યાદિત સંખ્યામાં હાજરી સાથે રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ છૂટ આપી છે. જોકે રાજ્યના 36 શહેરોમાં નાઇટ કરફ્યૂમાં હજુ કોઇ રાહત આપવામાં આવી નથી.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વડપણ હેઠળ યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. 11 જૂન 2021ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. કોર કમિટીની બેઠકના અન્ય નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને હોટલ 11 જૂન 2021થી સવારે 9 થી સાંજે 7 સુધી 50% ક્ષમતાએ ચાલુ રાખી શકાશે. ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે.
રાત્રિ કરફ્યૂના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાજ્યના 36 શહેરોમાં 26 જૂન 2021 સુધી નાઇટ કરફ્યૂ જારી રહેશે. રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વધુ વધુ 50 લોકો હાજર રહી શકશે. તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS, TOEFL વગેરે યોજવાની પણ છૂટ આપવામાં આવી છે.