ગુજરાતમાં ચોમાસાની સીઝન પછીથી સાર્વત્રિક વરસાદ થયો છે. 24 જુલાઈ સુધીમાં રાજ્યમાં સિઝનનો 22 ઇંચ સાથે સરેરાશ 64 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં રવિવારે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું વિશેષ પ્રભુત્વ રહ્યું હતું. ઉત્તર ગુજરાતના 20થી વધુ તાલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો હતા. બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ થયો હતો.
રવિવારે બનાસકાંઠાના લાખાણી સુઇ ગામ, વાવ, પાલનપુર, વડગામ તથા ભૂજ જિલ્લાના અંજાર ભચાઉ સહિતના તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ થયો હતો. રવિવારે 15 તાલુકામાં બે ઇંચથી વધુ અને 40 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ થયો હતો.
દક્ષિણ ગુજરાતમાં પણ થોડો વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને સાર્વત્રિક વરસાદ થયો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ થયો હતો. વલસાડમાં 5.7 ઇંચ અને નવસારી જિલ્લાના ખેરગામમાં 5.6 ઇંચ વરસાદ થયો હતો. વલસાડના છીપવાડ રેલવે ગરનાળામાં ભરાયેલા પાણીમાં બે યુવાનો તેમની કારમાં ફસાતા તેમને રેસ્ક્યુ કરવા પડ્યા હતા. વલસાડ જિલ્લામાં રવિવાર સાંજ સુધીમાં 24 કલાકમાં સરેરાશ 4 ઇંચ વરસાદ થયો હતો.
4 ઇંચ સાથે પૂર્વ અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ
અમદાવાદમાં શનિવાર 23 જુલાઇથી રવિવાર સુધીમાં સરેરાશ 4 ઇંચ વરસાદથી આશરે 53 સ્થળોએ પાણી ભરાયા હતા. આ સમયગાળામાં મણિનગર વિસ્તારમાં 7.32 ઇંચ, વિરાટનગરમાં 6.44 ઇંચ, ઓઢવમાં 6.32, રામોલમાં 6.8 ઇંચ વરસાદ પડ્યો હતો. શનિવારની રાત્રીએ ભારે વરસાદને પગલે પૂર્વ અમદાવાદના ભાઇપુરા વોર્ડમાં અર્ચના, ઢીંચણસુધીના પાણી ભરાઇ ગયા હતા. હિમાંશુ પાર્ક, રાજેશપાર્ક, સાઇબાબાનગર, પાયલ પાર્ક સોસાયટી, કર્ણાવતી સોસાયટી, મનહર કોલોની સહિતના આજુબાજુના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઇ જતા રહીશોએ રાત્રિ જાગરણ કરીને વરસાદ રોકાવા સુધીની રાહ જોવાની નોબત આવી હતી.સીટીએમ જામફળવાળી વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. જીવનઘારા, ઇશ્વરલીલા, મુક્તાનંદ, સંતદેવ ટેર્નામેન્ટ, સર્વોદય પાર્ક સોસાયટી, ભરવાડ વાસ સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાતા લોકોએ ડોલેડોલે પાણી ઉલેચવાની ફરજ પડી હતી.
અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક રાયખડ દરવાજાના સીડી વરસાદને કારણે ધરાશાયી થઈ ગઈ હતી. રાયખડ દરવાજાનું થોડા સમય પહેલા રૂ.૮૬ લાખના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યુ હતુ. પરંતુ સીડીનું રીનોવેશન કરવામાં આવ્યુ નહોતું.