અમદાવાદમાં 11 જુલાઈ 2022એ ભારે વરસાદને કારણે સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. REUTERS/Amit Dave

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ગયા સપ્તાહે બારે મેઘ ખાંગા થતાં ભારે તારાજી સર્જાઈ અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં 79 લોકોના મોત થયા હતા અને 28,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંગળવાર, 12 જુલાઈએ દક્ષિણ અને મધ્ય ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ભારે વરસાદને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 જુલાઈએ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાતચીત કરીને સ્થિતિની માહિતી મેળવી હતી. દક્ષિણ અને મધ્ય ગુજરાતના 6 જિલ્લા છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં પૂરને કારણે સ્કૂલ-કોલેજો બંધ કરાઈ હતી.ભારે વરસાદથી 15 સ્ટેટ હાઈવ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયા હતા અને 105 ગામોમાં અંધારપટ છવાયો હતો.

છોટાઉદેપુરના જિલ્લાના બોડેલીમાં રવિવાર (10 જુલાઈ)એ સૌથી વધુ 21 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા અને ભારે તારાજી સર્જાઈ હતી, જ્યારે અમદાવાદમાં પણ 18 ઇંચ સુધી વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તથા શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

મંગળવાર (12 જુલાઇ)એ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વરસાદને કારણે ગુજરાતમાં થયેલી તારાજી અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વરસાદને કારણે કુલ 69 લોકોનાં મોત નિપજ્યા હતા, જ્યારે કુલ 28,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં SDRF અને NDRFની 18-18 ટીમો બચાવ અને રાહતની કામગીરી માટે કામે લગાડવામાં આવી હતી.

વીજળી પડવાને કારણે 33 લોકોનાં મોત નિપજ્યા હતા. દિવાલ પડવાને કારણે 8 લોકોનાં મોત નિપજ્યા હતા. ડૂબવાને કારણે 16 મૃત્યુ થયા હતા, ઝાડ પડવાને કારણે 5 લોકોનાં અને વીજળીનો થાંભલો પડવાને કારણે 1 વ્યક્તિનું મોત થયું હતું.

વલસાડ જિલ્લામાં ચાર દિવસ સુધી ભારે વરસાદને પગલે 5,000થી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયા હતા. જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં સત્તાવાળાએ લોકોનું સ્થળાંતર ચાલુ કર્યું હતું. જિલ્લાના ધરમપુર તાલુકાના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં બીજા દિવસે પણ રેલના ધસમસતા પ્રવાહમાં NDRFની ટીમે રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. હિંગરાજ અને ભળેલી વિસ્તારમાં 2000 જેટલા લોકો ફસાયા હતા, જ્યારે  ભાગડાખુદ ખાતે 3000થી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયા હતા. આ ઉપરાંત શહેરના બરુડિયાવાડ વિસ્તારમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાતાં તંત્ર દ્વારા લોકોનું રેસ્ક્યૂ કરાયા હતા. આ ઉપરાંત વલસાડના હિંગરાજ ગામે હેલિકોપ્ટર દ્વારા 5 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ઔરંગા નદી કિનારે અને દરિયા નજીક આવેલા ભાગડાખુદ ગામ સંપર્કવિહોણું બન્યું હતું.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે કેટલીક નદીઓના જળસ્તર ભયજનક સ્તરથી ઊંચે ગયા હતા અને નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજ્યમાં 3,250 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ આપ્યો હતો. છોટાઉદેપુરમાં 400, નવસારીમાં 550 અને વલસાડમાં 470 લોકોને વરસાદના પાણીમાંથી રેસ્ક્યુ કરાયા હતા.

વલસાડના ઓરસંગ નદીના જળસ્તરમાં વધારો થતાં ભારે વિનાશ વેરાયો હતો. રાજ્યમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફની 13 અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફની) 16 ટીમો તૈનાત કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અંગેની વિગતો મેળવી હતી. મુખ્યપ્રધાને ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં છેલ્લાં 48 કલાકમાં ભારે વરસાદ તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી. વડાપ્રધાને આ વરસાદી સ્થિતિને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી હતી
રાજ્યમાં 218 તાલુકામાં વરસાદ ખાબક્યો હતા, જેમાં બોડેલી, ક્વાંટ, જાંબુઘોડા, જેતપુરપાવી, છેટાઉદેપુરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ તમામ વિસ્તારોમાં 15 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જ્યારે સાગબારા, સંખેડા, દેડિયાપાડા, ઘોઘંબા, ડોલવણ, વાંસદા, નડિયાદ, ગોધરા, સોજિત્રામાં પણ 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે વડોદરા નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જાંબુવા નદી ઉપરના પુલ ઉપર પાણી ફરી વળતા સાત ગામોને અસર પહોંચી હતી. બીજી બાજુ ઢાઢર નદી ગાંડીતૂર બનતા ડભોઇ તાલુકાના 8 ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા. વડોદરાને પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં પાણીની આવક વધતા સપાટી 208 ઉપર પહોંચી હતી.

રાજ્યમાં કુલ 18 જળાશય એલર્ટ પર

મહેસૂલ પ્રધાનના જણાવ્યા અનુસાર મંગળવાર સુધીમાં રાજ્યમાં 18 જળાશય હાઇ એલર્ટ, 8 જળાશયલ એલર્ટ ૫ર 11 જળાશય વોર્નિંગ ૫ર 11 જળાશય છે. રાજ્યમાં સોમવાર સુધીના છેલ્લા ચારેક દિવસથી વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની 207 જેટલી યોજનાઓમાં 47.71%ટકા જેટલો જળસંગ્રહ થયો હતો.

 

વલસાડ, નર્મદા, નવસારી જિલ્લામાં ભારે તારાજી

મધ્ય અને દક્ષિણ ગુજરાતના નર્મદા, વલસાડ, સુરત, નવસારી, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ જિલ્લામાં સોમવારે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ અવિરત ચાલુ જ રહેતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું અને ઠેર ઠેર પાણી ભરાયા હતા. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં  આભ ફાટયું હોય તેમ સોમવાર  સવારે વાગ્યાથી  બપોરના બે વાગ્યા સુધીમાં ૧૬ ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાત્રે પણ વધુ ૩ ઇંચ વરસાદ પડતાં કુલ વરસાદ ૧૮ ઇંચ ખાબક્યો હતો.  બીજી બાજુ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડામાં ૧૫ ઇંચ, ધરમપુરમાં ૧૨.૫ ઇંચ, ડાંગ જિલ્લાના સાપુતારામાં ૧૧.૫ ઇંચ, આહવામાં ૧૦ ઇંચ વરસાદ ઝીંકાયો હતો.
વલસાડ જિલ્લાની ઔરંગા નદીમાં ફરીથી આવેલા ઘોડાપુરના પાણી શહેરમાં પ્રવેશી ગયા હતા. અને લોકના ઘરમાં પાંચ થી છ ફૂટ સુધીના પાણી ભરાયા હતા. ધરમપુરમાં ત્રણ યુવાન કાર સાથે તણાયા હતા અને વલસાડમાં એક યુવાન તણાયો હતો. વલસાડ  જિલ્લામાં ૬,૫0૦થી વધુ અને નવસારી જિલ્લામાં ૬,૧00થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવાયું હતુ. નવસારીમાં એક વૃધ્ધા પૂરના પાણીમાં ડૂબી ગયા હતી. વલસાડમાં પૂરમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી અને એનડીઆરએફની ટીમની મદદથી રેસ્ક્યું કરાયા હતા. સુરત જિલ્લાના ઉમરપાડામાં ૧૨ કલાકમાં ૧૪ ઇંચ વરસાદ ખાબકયો હતો.

મુખ્યપ્રધાનને પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંગળવાર, 12 જુલાઈએ છોટાઉદેપુરના વરસાદગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. નુકસાનનો તાલ મેળવવા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર બોડેલી પહોંચ્યા હતા. તેમણે વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિકો સાથે વાતચીત કરીને માહિતી મેળવી હતી અને રાહતકાર્ય અંગેની સૂચનાઓ આપી હતી. ભૂપેન્દ્ર પટેલ બોડેલીના વર્ધમાન નગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળ્યા અને વરસાદને લીધે થયેલા નુક્સાનની વિગતો જાણી હતી. છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં 22 ઈંચ વરસાદ પડ્યો હતો અને નદી-નાળાઓ છલકાવા લાગ્યા હતા. મોટાભાગના રસ્તાઓ ટાપુઓ બની ગયા હતા. દુકાનો અને ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. તાલુકામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને પગલે બોડેલી-વડોદરા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો જળમગ્ન

હવામાન વિભાગે જારી કરેલા રેડ એલર્ટ વચ્ચે રાજકોટ, જામનગર, અને કચ્છમાં મંગળવાર (12 જુલાઈ)એ વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેર અને આજુબાજૂના વિસ્તારમાં 11 ઇંચથી વધુ વરસાદ થતાં જનજીવન ખોરવાઈ ગયું હતું અને શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે નદી અને ડેમ ઓવરફ્લો થયા હતા. ભારે વરસાદને કારણે મોરબીના 11 અને માળિયાના 9 ગામો એલર્ટ કરવામાં આવ્યાા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા હતા અને રાજકોટની સદગુરુ પાર્ક સોસાયટીમાં 150 લોકો વરસાદના પાણીમાં ફસાયા હતા. કચ્છના ભૂજ, નખત્રાણાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ધોરાજી પાસે આવેલા ભાદર-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો હતો. પડધરી પાસે આવેલા આજી-2 ડેમના 8 દરવાજા બે ફૂટ સુધી તથા ન્યારી 2 ડેમના 6 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતો. રાજકોટનો લાલપરી ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ હેઠળ આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી હતા.

ડેમના નિચાણવાળા વિસ્તારમાં ધોરાજી તાલુકાના ભોળા, ભોળ ગામડા, છાડવાવદર, સુપેડી ગામ તથા ઉપલેટા તાલુકાના ડુમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભિમોરા ગાધા, ગંદોળ, હાડફોડી, ઈસરા, કૂંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા અને ઉપલેટા ગામના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા રાજકોટ મામલતદાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલે સૂચના આપી હતી.

રાજ્યમાં આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણાં જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આગામી દિવસો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદ વરસી રહ્યો છે અને કપરી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યાં NDRFની ટીમો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.