ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં વાદળછાયું વાતાવરણ છેતરાપણું બન્યું છે. રાજ્યમાં 9 ઓગસ્ટ સુધીમાં વરસાદની 44 ટકા ખાધ રહી છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે જારી કરેલા ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધી 5 ટકા વરસાદની ખાધ રહી છે. ગુજરાતમાં હજુ સુધી ૧૨ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૩૬.૨૮% વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ૨૦૧૭થી ૨૦૨૦ના વર્ષમાં ૯ ઓગસ્ટ સુધીમાં ૫૦% કરતાં પણ વધુ વરસાદ વરસી ચૂક્યો હતો. ગુજરાતમાં હાલ ૪૪% વરસાદની ઘટ છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ગુજરાતમાં આ વખતે જૂનમાં ૪.૭૩ ઈંચ, જુલાઇમાં ૬.૯૫ જ્યારે ૯ ઓગસ્ટ સુધીમાં માત્ર ૦.૩૦ ઈંચ વરસાદ નોંધાયો છે.આ ડેટા મુજબ ગુજરાતમાં 1 જૂનથી 9 ઓગસ્ટ સુધીમાં 252.5મીમી વરસાદ પડ્યો છે. આની સામે સામાન્ય સરેરાશ 450.7મીમી છે. રાજ્યમાં ગયા વર્ષે 9 ઓગસ્ટ સુધીમાં 449.3મીમી વરસાદ પડ્યો હતો. ગુજરાત હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદની 44 ટકા ઘટ રહી છે.
બે મહિનામાં રાજ્યમાં માત્ર ત્રણ વખત સારો વરસાદ આવ્યો છે. જૂનમાં માત્ર એક વાર સારો વરસાદ આવ્યો હતો. પરંપરાગત રીતે જુલાઇમાં ચાર તબક્કામાં વરસાદ આવતો હોય છે, પરંતુ આ વખતે માત્ર બે તબક્કામાં આવ્યો છે. ઓગસ્ટમાં હજુ સુધી વરસાદ નોંધાયો નથી. હાલમાં કોઇ સિસ્ટમ પણ બની નથી, તેથી આ સપ્તાહે પણ વરસાદની શક્યતા નથી.
રાજ્યમાં 15 ઓગસ્ટથી ચોમાસુ ફરી સક્રિય થવાની ધાારણા છે. આ તારીખ પછી કોઇ આગાહી કરી શકાશે. રાજ્યના ખેડૂતો પણ હવે વરસાદ માટે અધીરાા બન્યા છે. વરસાદ ન આવતા સૌરાષ્ટ્રમાં ઊભા પાકને નુકસાન થવાનીી ધારણા છે.