ગુજરાતમાં કોરોનાને કારણે અભૂતપૂર્વ કટોકટી ઊભી થઈ છે ત્યારે રાજ્ય સરકારે મંગળવારે વધુ સાત શહેરોમાં નાઇટ કરફ્યૂ સહિતના નવા આકરા નિયંત્રણો લાદ્યા હતા. કોરોનાની સ્થિતિની સમીક્ષા બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ જાહેરાત કરી હતી. રાજ્યમાં હવે 36 શહેરોમાં રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કરફ્યૂ અને બીજા નિયંત્રણો 12મે સુધી અમલી બનશે. રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા 13,050 કેસ નોંધાયા હતા અને 131 દર્દીના મોત થયા હતા.
સરકારે જે નવા શહેરોમાં નાઇટ કરફ્યૂ લાદવામાં આવ્યો છે તે શહેરોમાં ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરનો સમાવેશ થાય છે. સરકારની જાહેરાત મુજબ રાજયમાં ધાર્મિક સ્થળો મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, હોટેલ, રેસ્ટોરાં, સિનેમા હોલ, સ્વીમિંગ પૂલ, હેર કટિંગ સલૂન, જીમ, બ્યુટીપાર્લર બંધ રાખવામાં આવશે. જોકે સરકારે મેડિકલ સ્ટોર, ખાદ્યપદાર્થ જેવી જીવનજરૂરી વસ્તુઓની દુકાન ચાલુ રાખવાની મંજૂરી આપી છે. ઉદ્યોગ, કારખાના, બાંધકામ, કૃષિ માર્કેટ, જાહેર પરિવહન જેવા સેવાઓ ચાલુ રહેશે. લગ્નપ્રસંગને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તેમાં મહત્તમ 50 લોકો હાજરી આપી શકશે. અંતિમસંસ્કાર વિધિમાં પણ વધુમાં વધુ 20 લોકો હાજરી આપી શકશે. ખાનગી ઓફિસો માત્ર 50 ટકા સ્ટાફ સાથે કામ કરી શકશે.
ગુજરાતમાં કોરોના મહામારીનું સંક્રમણે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. તેનાથી ડૉક્ટરો અને નિષ્ણાંતોએ લોકડાઉનનની ભલામણ કરી હતી. સરકારે સંપૂર્ણ લોકડાઉન કર્યું નથી, પરંતુ હાલમાં રાજ્યમાં મોટાભાગના શહેરો અને અનેક ગામડામાં સ્વૈચ્છિક લોકડાઉન ચાલે છે.