કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે ગુજરાતના 36 શહેરોમાં નાઇટ કરફ્યૂ સહિતના આકરાં નિયંત્રણો 18 મે સુધી લંબાવવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વડપણ હેઠળ મંગળવારે મળેલી કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યમાં નાઇટ કરફ્યૂ અને નિયંત્રણોની મુદત 12મે પૂરી થતી હતી.
કોર કમિટીની બેઠક બાદ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકો, ડોક્ટર્સ સહિત સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોનાના કેસોમાં ઘટાડો કરવામાં સફળતા મેળવી છે. 27 એપ્રિલે રાજ્યમાં 14,500 જેટલા કોરોના કેસ હતા, જે ઘટીને ગઇકાલે 11,000 જેટલા થઇ ગયા છે.
કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી. પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કરફ્યૂ અને મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ માટે યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે.