ગુજરાતમાં કોરોના વાઇરસના XE વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. દર્દીના સેમ્પલ NCDCમાં મોકલવામાં આવ્યા હતા, એમ એક ઉચ્ચસ્તરીય અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું. મહારાષ્ટ્રથી વડોદરા આવેલા એક વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળતા વેરિયન્ટ તપાસવા સેમ્પલ મોકલવામાં આવ્યાં હતાં જેમાં કોરોનાના નવા વેરિયન્ટ XEની પુષ્ટિ થઈ હોવાનું માનવામાં આવે છે.
ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરલ (જીબીઆરસી)એ આ વેરિયન્ટને પુષ્ટી આપી હોવાનું જણાવ્યું હતું. જોકે લેબના વડાએ કોઇ ટીપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
અગાઉ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક્સઇ વેરિયન્ટના સંભવિત કેસ હોવાનું જણાવ્યું હતું. આ વ્યક્તિએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા અને ભારતમાં આગમન સમયે કોરોના નેગેટિવ આવ્યા હતા.
આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ દર્દી 13 માર્ચે કોરોના પોઝિટિવ આવ્યા હતા અને એક સપ્તાહમાં રિકવર થયા હતા. જિનોમ સિકવન્સિંગમાં બહાર આવ્યું હતું કે આ દર્દીને કોરોના વાઇરસનો એક્સઇ વેરિયન્ટનો ચેપ લાગ્યો હતો. જોકે સેમ્પલની ફરી તપાસ કરાશે. દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રના મુંબઈમાં એક્સએમ વેરિયન્ટના એક-એક કેસ મળી આવ્યા છે.