મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં હૉટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને રાહત આપવા માટે આ ઉદ્યોગોને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ તેમ જ વીજ બિલના ફિક્સ ચાર્જમાં પણ માફી આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્ય પ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તા. ૧લી એપ્રિલ ૨૦૨૧ થી ૩૧મી માર્ચ ૨૦૨૨ સુધીના એક વર્ષના સમય માટે હોટેલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા હોટલ, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજ બિલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બિલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે. આ નિર્ણયને લીધે આર્થિક રાહત મળશે.

હાલ ગુજરાતમાં કોરોનાને કારણે વોટર પાર્ક બંધ છે. જ્યારે હોટેલ અને રેસ્ટોરન્ટમાં રાતના ૯ વાગ્યા સુધી ટેક અવે ફેસિલિટી અને રાતના ૧૦ વાગ્યા સુધી હોમ ડિલિવરી કરવાની છૂટ આપવામાં આવી છે.

આમ હાલ હોમ ડિલિવરી અને ટેક અવે પર જ હોટેલ ઈન્ડસ્ટ્રી નભી રહી છે. ગુજરાતમાં અંદાજે ૫૦,૦૦૦ હોટેલ-રેસ્ટોરન્ટ કાર્યરત છે. જે સીધી અને આડકતરી રીતે ૧૦થી ૧૨ લાખ લોકોને રોજગારી આપી રહ્યો હોવાનો અંદાજ છે.