ગુજરાતના પાંચ મહાનગરમાં 70 માળ કે તેનાથી વધુ ઊંચી હાઇ રાઇઝ બિલ્ડિંગના નિર્માણ માટેનો માર્ગ મોકળો થયો છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી હાઇ રાઇઝ આઇકોનીક ઇમારતોના નિર્માણ માટેના સીજીડીઆર (જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ)-2017ના નિયમોમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામાના સંદર્ભમાં આવેલા વાંધા સુચનોને ધ્યાને લીધા બાદ આ જાહેરનામાને આખરી મંજુરી આપી છે.
રાજ્ય સરકારે 18 ઓગસ્ટ 2020એ રાજ્યના પાંચ મહાનગરોમાં સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ, ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી આપવા માટેની જાહેરાત કરવા સાથે પ્રાયમરી નોટિફીકેશન મંજૂર કર્યુ હતું અને આ સંદર્ભમાં વિભાગ દ્વારા વાંધા-સૂચનો મંગાવવામાં આવેલા હતા. મુખ્યપ્રધાને આ પ્રાથમિક જાહેરનામા સંદર્ભે આવેલા વાંધા સૂચનો ધ્યાને લીધા બાદ હવે, ગગનચૂંબી ઇમારતો હાઇરાઇઝડ બિલ્ડિંગ સ્ટ્રકચરના નિર્માણ અંગેના જાહેરનામાને આખરી-ફાઈનલ મંજૂરી આપી છે.