ગુજરાત સરકારના વૈધાનિક અને સંસદીય બાબતોના પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની સુખાકારી અને સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે ૧૪મી ગુજરાત વિધાનસભાના ૮ મા સત્રમાં ૧૫ જેટલા વિધેયકો રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી અગાઉ વિધાનસભા સત્ર દરમિયાન મંજુર થયેલા ૭ વિધેયકો પ્રસિધ્ધ થયા બાદ હવે બાકીના ૮ વિધેયકોને રાજ્યપાલશ્રીએ મંજૂરીની મહોર મારી છે તે હવે એક્ટ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. આમ રાજય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ ૧૫ વિધેયકોને રાજયપાલશ્રીએ મંજુરીની મહોર મારી છે.
જે વિધેયકોને પણ રાજ્યપાલશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેમાં (૧) ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ) બાબત (સુધારા) વિધેયક, 2021, (૨) ગુજરાત પંચાયત (સુધારા) બિલ, 2021: (૩) ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબત (સુધારા) વિધેયક, ૨૦૨૧, (૪) ગુજરાત ફ્રીડમ ઓફ રીલીજીયન (સુધારા) વિધેયક, 2021 (લવ જેહાદ બાબતનું બીલ), (૫) ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ૨૦૨૧, (૬) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક, ૨૦૨૧:, (૭) ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેંટસ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) વિધેયક, ૨૦૨૧, (૮) ફોજદારી કાર્યરીતી (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૧નો સમાવેશ થાય છે.
ચૂડાસમાએ ઉમેર્યુ કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયેલ ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ) બાબત (સુધારા) વિધેયક, 2021માં આયુષ કોર્ષના અન્ડર ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષીસના પ્રવેશ પ્રક્રિયા અર્થે ૧૫% બેઠકો સરકારી, ગ્રાન્ટ ઈન એઈડ્સ સંસ્થા અને ખાનગી સંસ્થા તેમજ ૮૫% બેઠકો રાજ્ય સરકાર દ્વારા ભરવા બાબતનો સુધારો કરવા માટે રજૂ થયુ હતું જેને મંજૂર કરવામાં આવ્યુ છે.
ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયેલ ગુજરાત પંચાયત (સુધારા) બિલ, 2021 આ વિધેયકમાં જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓને નાબુદ કરી પંચાયત સેવા વર્ગ-૩ના તમામ સંવર્ગની સીધી ભરતી કરવા અંગેની સત્તા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડને આપવા માટે ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩માં આનુશંગિક સુધારા કરવાનો હતો તેને પણ મંજૂર કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયેલ ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબત (સુધારા) વિધેયક, ૨૦૨૧માં રાજ્યમાં આ અધિનિયમના અમલ દરમિયાન, એવું અનુભવાયું હતું કે ઘણા કિસ્સામાં, આ અધિનિયમની જોગવાઇઓનું ઉલ્લંઘન કરીને, મિલકતોની તબદીલી કરવામાં આવી છે અને તેને કારણે અનૈતિક વ્યક્તિઓને ગેરકાયદેસર કબજો મળે છે. સ્થાવર મિલકતની આવી ગેરકાયદેસરની તબદીલી રોકવા અને કાયદેસરના માલિકોના હિતનું રક્ષણ કરવાના ઉદ્દેશથી, ઉપર્યુક્ત અધિનિયમ સુધારવાનું જરૂરી જણાયું હતું અને તે હેતુ માટે, સન ૧૯૯૧ના સદરહુ અધિનિયમને, ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરાઇ છે. આ વિધેયકને પણ રાજ્યપાલે મંજૂરી આપી છે.
ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરાયેલ ગુજરાત ફ્રીડમ ઓફ રીલીજીયન (સુધારા) વિધેયક, 2021 (લવ જેહાદ બાબતનું બીલ)માં ગુજરાત રાજ્ય માં ઉક્ત સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું તે પહેલાં ગુજરાત ફ્રીડમ ઓફ રીલીજીયન એક્ટ, ૨૦૦૩ અમલ માં હતો જે મુજબ જ્યારે કોઇ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરવા ઈચ્છે ત્યારે ધર્મ પરિવર્તન કરતાં પહેલાં તેણે જિલ્લા મેજિસ્ટ્રેટ ની પૂર્વ પરવાનગી લેવી આવશ્યક બનાવવામાં આવી હતી જેથી બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાના કાર્યો ને અટકાવી શકાય. પરંતુ કેટલાક સમય થી એમ જોવા માં આવી રહ્યું હતું કે હવે કેટલાક અનિષ્ટ તત્વો દ્વારા લગ્ન, સારી જીવનશૈલી વિગેરે લાલચો આપી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ની પૂર્વ પરવાનગી વગર ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહેલ છે. આ પ્રકાર ના કૃત્યો અટકાવવાના હેતુસર આ અધિનિયમ માં કેટલાક સુધારા કરવા જરૂરી જણાતાં આ બદી અટકાવવા માટે કેટલીક કડક જોગવાઈઓ કરતું વિધેયક પસાર કરાયુ હતું તેને પણ રાજ્યપાલશ્રીએ મંજૂરી આપી છે.