ગુજરાતમાં શુક્રવારે કોરોનાના નવા દૈનિક કેસો 5,000ને વટાવી જતાં રાજ્ય સરકારે ધોરણ 1થી 9ના સ્કૂલો બંધ કરવાની અને નાઇટ કરફ્યૂના સમયગાળામાં વધારો કરવા સહિતના સંખ્યાબંધ કોરોનાના નિયંત્રણોની જાહેરાત કરી હતી.રાજ્યમાં શુક્રવારે જારી કરાયેલા નિયંત્રણો 15 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં આ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
હવેથી ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાશે. રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના મહાનગરો ઉપરાંત આણંદ અને નડિયાદમાં હવેથી રાતના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ અમલમાં રહેશે. દુકાનો, ગલ્લા, ખાણીપીણી બજાર, મોલ્સ, સલૂન સહિતની તમામ કોમર્શિયલ ગતિવિધિ રાતના 10 વાગ્યા સુધી ચાલુ રહી શકશે. હોટેલ રેસ્ટોરાં પણ 75 ટકા કેપેસિટી સાથે રાતના 10 વાગ્યા સુધી ચાલુ રહી શકશે, અને હોમ ડિલિવરીની સેવા રાતના 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
કોઈપણ રાજકીય, સામાજિક કે ધાર્મિક પ્રસંગમાં ખૂલ્લી જગ્યામાં વધુમાં વધુ 400 વ્યક્તિ, જ્યારે બંધ જગ્યામાં ક્ષમતાના માત્ર 50 ટકા લોકો જ ભેગા થઈ શકશે. આ નિયમ લગ્નપ્રસંગ માટે પણ લાગુ પડશે અને તેના માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. અંતિમ ક્રિયામાં વધુમાં વધુ 100 લોકો એકત્ર થઈ શકશે. જાહેર પરિવહન વ્યવસ્થાની વાત કરીએ તો, બસમાં 75 ટકા મુસાફરો પ્રવાસ કરી શકશે. બસ સેવાને રાત્રી કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્યમાં સિનેમા હોલ્સ પણ 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રહેશે. જિમ, વોટરપાર્ક, લાઈબ્રેરી, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો પણ 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખી શકાશે. જાહેર બાગ-બગીચા પણ રાતના 10 વાગ્યા સુધી ખૂલ્લા રહેશે.ધોરણ 9થી પીજી સુધીના કોચિંક સેન્ટર્સ, સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ સેન્ટર્સ 50 ટકા કેપેસિટી સાથે કામ કરી શકશે.