ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મુખ્ય શહેરોની ખાનગી અને સરકારી કોવિડ હોસ્પિટલો ભરાઈ રહી છે. રાજ્યમાં કોરોનાની સારવાર માટે વપરાતી રેમડેસિવીર દવા માટે લાંબી લાઇનો લાગી હતી. સુરતમાં સ્માનગૃહોમાં વેઇટિંગ ચાલતું હોવાના પણ અહેવાલ હતા. વડોદરાની હોસ્પિટલમાં વેન્ટિલેટરની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો.
સોમવારની સત્તાવાર માહિતી મુજબ રાજ્યમાં સતત 12મા દિવસે કોરોનાનાં વિક્રમજનક 3,160 નવા કેસો નોંધાયા હતા અને 15 લોકોનાં મોત થયા હતા. આની સામે 2,038 દર્દી કોરોનામુક્ત થયા હતા. રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોનો આંક 3,21,598 પર પહોંચ્યો હતો અને કુલ મૃત્યુઆંક વધીને 4,581 થયો હતો. અત્યાર સુધી કુલ 3,00,765 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 16,252 પર પહોંચી હતી. જેમાંથી 167 દર્દીઓની હાલત ગંભીર હતી. સુરતમાં 7 અને અમદાવાદમાં 6 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. ભાવનગર અને વડોદરામાં એક-એક દર્દીનું મોત થયું હતું.
સોમવારે અમદાવાદમાં 787 અને સુરતમાં 788 નવા કેસ નોંધાયા હતા. રાજકોટમાં 311 અને વડોદરામાં 330 કેસ નોંધાયા હતા. જામનગરમાં 125 અને ભાવનગરમાં 79 કેસ, ગાંધીનગરમાં 66 અને જૂનાગઢમાં 32 કેસ, મહેસાણામાં 88, પાટણમાં 65 નવા કેસ નોંધાયા હતા.
અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલ સ્થિતિ કોવિડ હોસ્પિટલમાં 80 ટકા બેડ ભરાઈ ગયા હતા. તેનાથી 50 દર્દીઓને કિડની ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. આ સાથે ચિંતાજનક સમાચાર એવા પણ છે કે અત્યાર સુધી બાળકોમાં કોરોનાના કેસ જોવા મળતા નહોતા પરંતુ સિવિલમાં અત્યાારે 11 બાળકો દાખલ થયા હતા, જેમાંથી સાતનો રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો.
સુરતમાં આવેલ સ્મશાનભૂમિમાં અગ્નિસંસ્કાર માટે લાંબી લાઈનો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. સુરતના એકતા ટ્રસ્ટના જણાવ્યા મુજબ શહેરમાં રોજ પોઝિટિવ અને શંકાસ્પદ કોરોનાના દર્દી સિવાય 100થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. સુરતના ત્રણ સ્મશાનભૂમિ ફૂલ થઇ ગયા હતા. એક મૃતહેદના અંતિમ સંસ્કાર માટે આશરે દોઢથી બે કલાકનો સમય લાગતો હતા અને આશરે અઢીથી ત્રણ કલાક સુધી અંતિમ ક્રિયા માટે વેઇટિંગ હતું. વડોદરામાં કોરોનાના કેસોનો વધારો થતાં દર્દીઓ માટે સુવિધા વધારવા હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર ઉમેરવામાં આવ્યાં હતા.
રાજ્યમાં કોરોનાના સારવાર માટે વપરાતી રેમડેસિવીર દવાની અછત ઊભી થયાના પણ અહેવાલ હતા, જેને સરકારે નકારી કાઢ્યા હતા. ઝાયડસ હોસ્પિટલના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા ત્રણ દિવસથી દરરોજ લગભગ 300-500 વ્યક્તિઓને કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસિવીરના ઈન્જેક્શન આપી રહ્યા છે. શનિવારે રાજ્યના એફડીસીએ કમિશનર, ડો.એચ. જી. કોશિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં 28,119 ઇન્જેક્શન ઉપલબ્ધ છે. રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરોમાં ગયા અઠવાડિયામાં ઈન્જેક્શનની તીવ્ર અછત નોંધાઈ હતી.
મીડિયા રિપોર્ટ મુજબ ઝાયડસ કેડિલા રેમડેસિવિરના દૈનિક 30,000 ઈન્જેક્શનોનું ઉત્પાદન કરે છે. કોરોનાની સારવાર માટે પ્રત્યેક દર્દી દીઠ 6 ઇન્જેક્શનની જરૂર પડતી હોવાથી દરરોજના 5,000 દર્દીની સારવાર કરી શકાય એટલાં ઇન્જેક્શનનું ઉત્પાદન ઝાયડસ કેડિલા દ્વારા કરવામાં આવે છે.